गुजरात

બીસીએ ચૂંટણીમાં પારદર્શિતાને લઈ વિવાદ, ઉમેદવારેની ચૂંટણી અધિકારીને રજૂઆત | Controversy over transparency in BCA elections



બીસીએ (બરોડા ક્રિકેટ એસોસિએશન)ની આગામી તા. ૧૫ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીનેલઈને વિવાદ સર્જાયો છે. રોયલ તથા રિવાઈવલ જુથ તકફથી ફાઈનાન્સ કમિટી પદના ઉમેદવારે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને ન્યાયસંગતતા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી બીસીએ ચીફ ઈલેક્શન ઓફિસર વરેશ સિન્હાને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, ચૂંટણીનું સ્થળ રામબાગ, નાનુભાઈ અમીન માર્ગ ખાતે નક્કી કરાયું છે, જે સ્થળ એક સ્પર્ધક ઉમેદવારના પ્રભાવ હેઠળ છે. આવી પરિસ્થિતિમાં ચૂંટણી યોજવી ચૂંટણીની આચારસંહિતાના વિરુદ્ધ છે અને મતદારોને પ્રભાવિત કરવાની શક્યતા રહે છે. ચૂંટણી પ્રક્રિયામાં બીસીએ તેમજ એલેમ્બિક ઈન્ડસ્ટ્રીઝ લિ. નો સ્ટાફ સામેલ રહેતો હોવાને કારણે ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે.

મતદાર યાદી મુદ્દે પણ ગંભીર ખુલાસો થયો છે. બીસીએ દ્વારા આપવામાં આવેલી મતદાર યાદીમાં અવસાન પામેલા સભ્યોના નામો સમાવિષ્ટ હોવાની વિગતો રજૂ કરવામાં આવી છે. આ બાબત ખોટા મતદાનની શક્યતા ઊભી કરે છે. મતદાન દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે બીસીએ દ્વારા જારી કરાયેલા ઓળખપત્રો બદલે માત્ર સરકાર દ્વારા જારી થયેલા આધારકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ કે મતદાર ઓળખપત્રનો ઉપયોગ કરવો જોઈએ તેવી પણ માગ કરી છે.

ઉપરાંત, તા. ૧૫ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનો પર્વ હોવાથી અનેક સભ્યો ધાર્મિક વિધિ, ઉપવાસ અને પૂજા-અર્ચનામાં વ્યસ્ત રહેતા હોવાથી મતદાન ટકાવારી પર અસર થવાની શક્યતા પણ દર્શાવી છે.

આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ ઉમેદવારે ચૂંટણી સ્થળ બદલીને નિષ્પક્ષ સ્થળે ચૂંટણી યોજવા, સ્વતંત્ર વ્યક્તિઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંચાલિત કરવા, મતદાર યાદી સુધારવા, ચૂંટણી ની તારીખ પુનઃનિર્ધારિત કરવા તેમજ તમામ ઉમેદવારોની તાત્કાલિક બેઠક બોલાવવાની માગ કરી છે.

બીસીએ ચૂંટણીના સંદર્ભે રિવાઇવલ જૂથના ખુલાસા

રિવાઇવલ જૂથના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૩ની બીસીએની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સામે ચિરાયુ અમીન ઉમેદવાર તરીકે મેદાનમાં હતા. તે સમયની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાનનું સ્થળ રાજમહેલની બેડમિન્ટન કોર્ટ રાખવામાં આવ્યું હતું.

તે સમયે મુખ્ય ચૂંટણી અધિકારી એડવોકેટ હતા, જે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના કેસો પણ લડતા હતા. મતગણતરી માટે કોઈથર્ડ પાર્ટીની નિમણૂક ન કરી મતગણતરીની પ્રક્રિયા લગભગ ૨૦ દિવસ સુધી ચાલતી રહી હતી.

વધુમાં જણાવ્યું કે, આ અગાઉની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અપનાવવામાં આવી હતી અને માત્ર ૮ કલાકમાં મતગણતરી પૂર્ણ કરી હતી. ચૂંટણી જાહેર થતાં જ પ્રીમાઈસીસની સંપૂર્ણ જવાબદારી ચીફ ઇલેક્શન ઓફિસરની હોય છે તે બાબત પણ સ્પષ્ટ કરી છે.

હાલમાં જે લોકો મતદાન સ્થળને લઈને વિરોધ કરી રહ્યા છે, તેમાંથી કેટલાંક લોકોએ અગાઉ અપેક્ષની બેઠકમાં મતદાન સ્થળના નિર્ણય અંગે સહમતિ વ્યક્ત કરી હતી, તેમ પણ રિવાઇવલ જૂથના સૂત્રોએ દાવો કર્યો છે.



Source link

Related Articles

Back to top button