गुजरात

અમદાવાદ: કોમનવેલ્થ 2030ના સપના વચ્ચે AMCનો રસ્તા બનાવવાનો ‘વિક્રમી’ દાવો, પણ જનતાનો સવાલ ‘રોડ છે ક્યાં?’ | Ahmedabad Roads Update AMC Sets Record with 8 Lakh Metric Tonnes of Road Work for CWG 2030



Ahmedabad Roads Update: વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને ગ્લોબલ સિટી બનાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ દાવો કર્યો છે કે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 8.45 લાખ મેટ્રિક ટન રોડનું કામ પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે. જોકે, તંત્રના આ ગુલાબી આંકડાઓ સામે શહેરના અનેક વિસ્તારોમાં ખોદકામ અને બિસ્માર રસ્તાઓને કારણે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

તંત્રનો દાવો: રોડ નેટવર્કમાં ઐતિહાસિક સિદ્ધિ

AMCના રોડ પ્રોજેક્ટ વિભાગના આંકડા મુજબ, 1 એપ્રિલ 2025થી 26 જાન્યુઆરી 2026 સુધીમાં સાતેય ઝોનમાં અભૂતપૂર્વ કામગીરી થઈ છે.

રેકોર્ડ બ્રેક કામ: છેલ્લા 5 વર્ષની 7 લાખ મેટ્રિક ટનની સરેરાશ સામે આ વર્ષે આંકડો 9.50 લાખ મેટ્રિક ટન સુધી પહોંચવાની શક્યતા છે.

ઝોન વાઈઝ વિગત: સૌથી વધુ કામ ઉત્તર-પશ્ચિમ ઝોન (1.35 લાખ મેટ્રિક ટન) અને રોડ પ્રોજેક્ટ (2.51 લાખ મેટ્રિક ટન) હેઠળ થયું છે.

લક્ષ્યાંક: કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરની અર્બન મોબિલિટીને વૈશ્વિક સ્તરે લઈ જવી.

જમીની હકીકત: આંકડા ચમકે છે, પણ રસ્તા ખખડધજ!

તંત્ર જ્યારે રેકોર્ડ કામગીરીના દાવા કરે છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં સ્થિતિ વિપરીત છે. જનતાના મનમાં કેટલાક તીખા સવાલો ઉઠી રહ્યા છે:

ચારેબાજુ ખોદકામ: શહેરના પૂર્વ અને મધ્ય ઝોનના અનેક વિસ્તારોમાં મેટ્રો, ડ્રેનેજ કે લાઈન નાખવાના નામે સતત ખોદકામ ચાલતું રહે છે. રોડ બને એ પહેલા ફરી ખોદકામ શરૂ થઈ જતાં ‘નવા રોડ’ ક્યાં છે તે શોધવું મુશ્કેલ બન્યું છે.

વિકાસમાં પક્ષપાત? આંકડાઓ પર નજર કરીએ તો પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ (પોશ વિસ્તારો) માં લાખો મેટ્રિક ટન ડામર ઠાલવવામાં આવ્યો છે, જ્યારે મધ્ય કે દક્ષિણ-પશ્ચિમ જેવા વિસ્તારોમાં તેની સરખામણીએ કામ ઘણું ઓછું દેખાય છે.

ગુણવત્તા સામે સવાલ: દર વર્ષે લાખો મેટ્રિક ટન માલ વપરાવા છતાં એક જ વરસાદમાં રસ્તાઓ કેમ ધોવાઈ જાય છે? શું આ આંકડા માત્ર કાગળ પર મજબૂત છે?

છેલ્લા 5 વર્ષની રોડ કામગીરીની સરખામણી

નાણાકીય વર્ષ રોડ કામગીરી (મેટ્રિક ટન)
2021-22 5.51 લાખ
2022-23 7.45 લાખ
2023-24 7.77 લાખ
2024-25 7.60 લાખ
2025-26 (અત્યાર સુધી) 8.45 લાખ (ઐતિહાસિક)

આ પણ વાંચો: AMC સ્કૂલ બોર્ડનું અજબ-ગજબ બજેટ: વિદ્યાર્થીઓ હવે AIના પાઠ સાથે ભરત-ગૂંથણ અને ઝરીકામ પણ શીખશે!

માત્ર આંકડા નહીં, સુવિધાની જરૂર

નિષ્ણાંતોનું માનવું છે કે માત્ર ‘મેટ્રિક ટન’માં રોડ માપવાને બદલે રસ્તાની ટકાઉપણું અને નાગરિકોને ટ્રાફિકમાંથી મળતી મુક્તિને માપદંડ બનાવવો જોઈએ. કોમનવેલ્થ ગેમ્સ માટે મહેમાનો આવે ત્યારે શહેરના રસ્તા લાઈટના અજવાળે ચમકતા હોય તે જરૂરી છે, પરંતુ તેના માટે અત્યારે સામાન્ય જનતાએ ધૂળ અને ખાડાઓ વચ્ચે જે હાલાકી ભોગવવી પડી રહી છે, તે પણ વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય હોવો જોઈએ.



Source link

Related Articles

Back to top button