જામનગરમાં રણજીતનગર હૂડકો વિસ્તારમાં રહેતી મહિલા અને તેના પુત્ર પર હુમલો : વાહનમાં તોડફોડ કરનાર ચાર શખ્સો સામે ફરિયાદ | Attack on woman and her son living in Ranjitnagar Hoodko area of Jamnagar

![]()
Jamnagar Crime : જામનગરમાં રણજીતનગર હુડકો વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ઉપર હુમલો કરી ઘરની બહાર પાર્ક કરેલા વાહનમાં તોડફોડ કરી નાખવા અંગે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
જામનગરમાં રણજીત નગર જુનો હુડકો વિસ્તારમાં રહેતી દિવ્યાબેન રાહુલભાઈ રાઠોડ નામની 39 વર્ષની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર મોહિત ઉપર જુની અદાવતના કારણે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે, તેમજ પોતાના ઘરની બહાર પાર્ક કરેલા એક્સેસ સ્કૂટરમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગે જામનગરમાં રહેતા ધ્રુવરાજસિંહ ગોહિલ, યુવરાજસિંહ જાડેજા, યુવરાજસિંહનો દીકરો અને ફરદીન નામના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી દિવ્યાબેનના પુત્ર મોહિતને આજથી એક મહિના પહેલા આરોપી ધ્રુવરાજસિંહ ગોહિલ સાથે બોલાચાલી થઈ હતી, જેનું મન દુઃખ રાખીને આ હુમલો અને તોડફોડ કરાઈ હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. જે મામલે પોલીસ ચારેય આરોપીઓને શોધી રહી છે.


