गुजरात

પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પર દેરાસરમાં ફોટોગ્રાફીને લઈ જૈન સમાજમાં રોષની આગ | Jain community angered over photography of Shatrunjay Giriraj in Derasar Palitana



– શ્રી આદીશ્વર દાદાના ઢીંચણ પર ચઢી ફોટોગ્રાફી કરતો હોવાનો વીડિયો વાયરલ

– જૈન સમાજના આગેવાનો, જૈનાચાર્યો, મહારાજ સાહેબોએ સખત વિરોધ નોંધાવ્યો, આણંદજી કલ્યાણજી પેઢી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા ચિમકી

પાલિતાણા : જૈન સમુદાયના સદેય શ્રધ્ધાના કેન્દ્ર પાલિતાણા સ્થિત શત્રુંજય ગિરિરાજ પર આવેલા શ્રી આદીશ્વર દાદાના દેરાસરના ગર્ભગૃહમાં પ્રવેશી દાદાના ઢીંચણ પર ચઢી શખ્સે ફોટોગ્રાફી કરી હોવાનો સોશિયલ મીડિયામાં વીડિયો અને ફોટો વાયરલ થતાં દેશભરના જૈન સમાજમાં રોષની આગ સળગી છે. સમગ્ર વિવાદને લઈ આણંદજી કલ્યાણજી પેઢીએ ફોટાઓ એઆઈ જનરેટેડ અને વાયરલ થતાં મેસેજ સત્યથી વેગળા હોવાનો દાવો કર્યો છે.

શાશ્વત તીર્થ પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પર બિરાજમાન મૂળનાયક શ્રી આદીશ્વર પરમાત્માના દેરાસર અને અન્ય દેરાસરોમાં ફોટો કે વીડિયોગ્રાફી કરવાની સખત મનાઈ છે. તેમ છતાં ગત તા.૨૭-૧ના રોજ કોઈ શખ્સે ગર્ભગૃહમાં અંદર જઈ ફોટા પાડતા ત્યાં હાજર જૈન યાત્રિકોમાં રોષ ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર સમગ્ર ઘટના રોકેટગતિએ ફરતી થઈ હતી. જેમાં આણંદજી કલ્યાણજી પેઢીએ ફોટોગ્રાફી માટે લખનૌની એક વિધર્મી વ્યક્તિની કંપનીને ૪૫ લાખનો કોન્ટ્રાક્ટ આપ્યો છે અને વિધર્મી ફોટોગ્રાફર દ્વારા પૂજાના કપડાં પહેર્યા વિના જ અંદર પ્રવેશ આદીશ્વર દાદાના ઢીંચણ પર ચઢી ફોટોગ્રાફી કરાઈ હોવાના સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા.

જેને લઈ જૈન સમાજના આગેવાનો, જૈનાચાર્યો, મહારાજ સાહેબો, સાધ્વી ભગવંતોમાં ભારે રોષ ફેલાયો હતો અને અમદાવાદ સ્થિત પેઢીના ટ્રસ્ટીને ફોન કરી સમગ્ર ઘટના સામે સખત વિરોધ નોંધાવી ટ્રસ્ટીઓને રૂબરૂ આવી ને ખુલાસો દેવા માંગ કરી હતી. વિવાદ એટલી હદે વકર્યો હતો કે, જૈન સમાજના આગેવાનોએ રાત્રિના ૧૨ વાગ્યા સુધીમાં ટ્રસ્ટીઓ રૂબરૂ નહીં આવે તો પેઢી સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની ચિમકી આપી હતી.

બીજી તરફ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ આ ઘટના અંગે સ્પષ્ટીકરણ આપતા જણાવ્યુું હતું કે, પુષ્પેન્દ્ર શર્મા નામનો વ્યક્તિ ગભારામાં પ્રવેશ્યો હતો. તે સ્નાન કરીને પૂજાના વસ્ત્રોમાં મુખકોષ બાંધીને ગભારામાં ગયો હતો અને પેઢીની મંજૂરીને આધિન ફોટો-વીડિયોગ્રાફી કરી હતી. જેના સીસીટીવી પુરાવા પણ પેઢી પાસે હોવાનો દાવો કરાયો છે. તેમજ સોશિયલ મીડિયામાં જે ફોટા વાયરલ થયા છે, તે એ.આઈ. જનરેટેડ છે. મેસેજીસ પણ સત્યથી તદ્દન વેગળા હોય, લોકોને ગેરમાર્ગે ન દોરાવવા તેમજ કોઈની ભાવનાને ઠેસ પહોંચી હોય તો સકળ શ્રી સંઘને ‘મિચ્છા મિ દુક્કડં’ કહીં આણંદજી કલ્યાણજી પેઢીએ વિવાદની આગને ઠારવાનો પ્રયાસ કર્યો હતો.



Source link

Related Articles

Back to top button