गुजरात

આવાસ ભાડે આપવાનો ધંધો, તરસમિયા આવાસ યોજનામાં મનપાએ 24 લોકોને નોટિસ ફટકારી | Municipal Corporation issues notices to 24 people in Tarasamiya Housing Scheme



– ભાવનગર મહાપાલિકાની ટીમે તપાસ હાથ ધરતા ગભરાટ 

– 56 આવાસમાંથી 14 લાભાર્થી રહેતા હતા અને 18 મકાન બંધ હતા, ભાડુઆત સહિતનાને 3 દિવસમાં આવાસ ખાલી કરાવવા સૂચના 

ભાવનગર : ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ ભાડે આપવાનો ધંધો યથાવત છે, જેના કારણે મહાપાલિકાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આવાસ ભાડે હોય અથવા મૂળ લાભાર્થીના બદલે અન્ય કોઈ રહેતુ હોય તો નોટિસ ફટકારવામાં આવી રહી છે. આજે બુધવારે તરસમિયા ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તપાસ કરી ભાડુઆતોને નોટિસ આપી હતી. 

ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા શહેરના તરસમિયા ખાતે ફાઈનલ પ્લોટ નંબર-પ૧ ખાતેની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આજે બુધવારે ભાડુઆતના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આવાસ યોજનામાં કુલ પ૬ આવાસ આવેલા છે, જેમાં ર૪ ભાડુઆત હતા અને ૧૪ મુળ લાભાર્થી હતા, જયારે ૧૮ બંધ મકાન જોવા મળ્યા હતાં. ભાડુઆતોને ૩ દિવસમાં આવાસ ખાલી કરવા તાકીદ નોટિસ આપીને આવાસો ખાલી કરાવવા જાણ કરવામાં આવેલ છે. અન્યથા આવા આવાસોના સીલીંગ કરવા ઉપરાંત દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ આગામી દિવસોમાં અન્ય સ્થળો પર આવેલા આવાસોના સર્વે કરી ભાડે આપેલ આવાસોના સીલીંગ કરવાની કામગીરી કાર્યવાહી કરવામાં આવનાર છેે. 

ઉલ્લેખનીય છે કે, આવાસ યોજનાની ગાઈડલાઈન અને અરજીપત્રકમાંની શરતો મુજબ લાભાર્થી કબજા ફાળવણીથી સાત વર્ષ સુધી આવાસ વેચાણથી આપી શકતા નથી તેમજ ભાડાથી કે અન્ય કોઈ રીતે સગા સંબંધીઓ/આસામીઓને રહેણાંકીય કે અન્ય ઉપયોગ માટે આપી શકતા નથી તેમ ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગના કાર્યપાલક ઇજનેર (પીએમએવાય ઘટક)એ માહિતી આપતા જણાવેલ છે. 

આગામી દિવસોમાં અન્ય આવાસમાં તપાસ કરાશે 

ભાવનગર શહેરમાં આગામી દિવસોમાં અન્ય આવાસ યોજનામાં તપાસ કરવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. આવાસ ભાડે આપવાનો ધંધો યથાવત છે ત્યારે મહાપાલિકાએ કડક પગલા લેવા જરૂરી છે અને ખરેખર આવાસની જરૂરીયાત હોય તેવા લાભાર્થીઓને આવાસ આપવા જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.



Source link

Related Articles

Back to top button