કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 3 નવા દર્દીઓ નોંધાયા | An average of 3 new patients are registered every day at the cancer hospital in Bhavnagar

![]()
– વર્ષ-2025 માં 13 હજારથી વધારે કેન્સરના દર્દીઓની ઓપીડી થઈ
– ભાવનગરમાં વર્ષ-2025 માં કેન્સરના 1279 નવા દર્દીઓ, 12 હજારથી વધારે રિપિટ દર્દીઓ : દરરોજ સરેરાશ 37 દર્દીઓએ સારવાર મેળવી
ભાવનગર : ભાવનગરમાં કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક છે. વર્ષ-૨૦૨૫ના આંકડાઓ પ્રમાણે ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ ત્રણ નવા કેન્સરના દર્દીઓ સારવાર માટે આવ્યા છે. વર્ષ-૨૦૨૫માં કેન્સર હોસ્પિટલમાં ૧૨૭૯ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૧૨,૪૦૧ રિપિટ મળી કુલ ૧૩ હજારથી વધારે દર્દીઓની ઓપીડી થઈ છે.
સર ટી.હોસ્પિટલના કેમ્પસમાં આવેલા ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટયુટ સંચાલિત કેન્સર કેર સેન્ટરમાં વર્ષ-૨૦૨૫ દરમિયાન સારવાર મેળવવા માટે આવેલા દર્દીઓના આંકડાઓ પ્રમાણે ભાવનગરમાં કેન્સરના દર્દીઓનું પ્રમાણ ચિંતજનક રીતે વધી રહ્યું છે. વર્ષ-૨૦૨૫ દરમિયાન ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં કેન્સરના કુલ ૧૨૭૯ નવા દર્દીઓ નોંધાયા છે. એટલે કે દરરોજ સરેરાશ ત્રણ નવા દર્દીઓ કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છે. જ્યારે ૧૨,૪૦૧ રિપિટ દર્દીઓની ઓપીડી થઈ છે. આમ, વર્ષ દરમિયાન કેન્સરના કુલ ૧૩,૬૮૦ઓએ સારવાર લીધી છે. આમ, દરરોજ સરેરાશ ૩૭ દર્દીઓની ઓપીડી થઈ છે. જુના અને નવા દર્દીઓની ઓપીડીના આંકડાઓ પ્રમાણે સૌથી વધારે ડિસેમ્બર-૨૦૨૫માં ૧૩૮૮ દર્દીઓની ઓપીડી થઈ જ્યારે સૌથી ઓછી એપ્રીલ-૨૦૨૫માં ૮૮૯ દર્દીઓની ઓપીડી થઈ છે. ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં વર્ષ-૨૦૨૪માં જ્યાં નવા જુના મળી કુલ ૮૩૮૮ કેન્સરના દર્દીઓ નોંધાયા હતા. જેની સરખામણીએ વર્ષ-૨૦૨૫માં કેન્સરના દર્દીઓમાં નોંધપાત્ર ઉછાળો થયો છે.
વર્ષ-2025 માં 628 સર્જીરીઓ થઈ
કેન્સર હોસ્પિટલમાં દવા, રેડિયો અને કિમો થેરાપીથી સારવાર ઉપરાંત ઘણાં કિસ્સાઓમાં દર્દીઓની સર્જરી કરવાની થતી હોય છે. વર્ષ-૨૦૨૫ દરમિયાન કેન્સરની ૫૨૫ માઈનોર અને ૧૦૩ મેજર મળી કુલ ૬૨૮ સર્જરીઓ થઈ છે.



