ખંભાતના રંગપુરની સીમમાં બે જૂથ વચ્ચે મારામારી : 5 વ્યક્તિને ઈજા | Clashes between two groups on the outskirts of Rangpur Khambhat: 5 people injured

![]()
– ખેતરમાં પાણીની પાઇપનું વાકિયું તોડી નાખવા બાબતે
– લાકડી, ધારિયા વડે મારામારી : સામસામે ફરિયાદ નોંધાતા ખંભાત ગ્રામ્ય પોલીસે કાર્યવાહી હાથ ધરી
આણંદ : ખંભાત તાલુકાના રંગપુર ગામની સીમમાં આવેલા ખેતરમાં પાણીની પાઇપનું વાકિયું તોડી નાખવા બાબતે પટેલ અને ભરવાડ કોમના જૂથો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ખંભાત તાલુકાના રંગપુર ગામના મનીષકુમાર રાજેન્દ્રભાઈ પટેલની ફરિયાદ મુજબ, ગામની સીમમાં અરવિંદભાઈ સોમાભાઈ પટેલનું ખેતર આવેલું છે, જેમાં રમેશભાઈ ભીખાભાઈ પરમારે પાણીની પાઇપનું વાકિયું હલાવીને તોડી નાખતા તમાકુના પાકમાં પાણી ફરી વળ્યું હતું, જેથી બોલાચાલી થતા રમેશભાઈનું ઉપરાણું લઈને કડવાભાઈ લાખાભાઈ ભરવાડ લાકડી લઈને આવી પહોંચ્યો હતો અને રાજેન્દ્રભાઈ પટેલને મારી ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે નિલેશભાઈ પટેલને મુકેશભાઈ હરિભાઈ ભરવાડે લાકડી વડે માર માર્યો હતો. તેમજ ભનુભાઈ ગંધુભાઈ ભરવાડ અને લાલાભાઇ ભલાભાઇ ભરવાડ તેમજ જયેશભાઈ કડવાભાઈ ભરવાડે અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યોે હતો. જ્યારે મુકેશભાઈ હરિભાઈ ભરવાડે ખોળીવાળી લાકડી વડે મનીષકુમાર પટેલને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ભનુભાઈ ભરવાડે ધાર્યા વડે મનીષ કુમારને ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામા પક્ષે કડવાભાઈ લાખાભાઈ ભરવાડે નોંધાવેલી ફરિયાદ મુજબ, ચેતનભાઇ મહેશભાઈ પટેલના ખેતરમાં આવેલ પાઇપલાઇનનું વાકિયું ક્લેમ્પ તૂટી જવા બાબતે રાજેન્દ્રભાઈ રતિલાલ પટેલે લાકડી લઈ આવી કડવાભાઈને માથાના ભાગે મારી ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે નીરવભાઈ રાજેશભાઈ પટેલ, નિલેશભાઈ રાજેન્દ્રભાઈ પટેલે કડવાભાઈના દીકરા જયેશભાઈને ગડદાપાટુનો માર માર્યોે હતો. તેમજ અરવિંદભાઈ સોમાભાઈ પટેલ અને હર્ષ અરવિંદભાઈ પટેલ અને મનીષભાઈ રાજેન્દ્રભાઈ પટેલે અપ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.



