ધ્રાંગધ્રામાં દુકાનો પર 83.72 લાખની લોન લઈ 5 વેપારી સાથે છેતરપિંડી | 5 traders cheated by taking loans of Rs 83 72 lakh on shops in Dhrangadhra

![]()
– 2 મહિલા સહિત 5 શખ્સ સામે ગુનો
– ઠગ ટોળકીએ દુકાનો પર લોન બેંક લઇ વેપારીઓને દસ્તાવેજ કરી આપ્યા : હપ્તા નહીં ભરતા ભાંડો ફૂટયો
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરના મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બરમાં દુકાન ધરાવતા વેપારી સાથે છેતરપિંડી આચરી બારોબર બેંકમાં લોન લીધા હોવાનો ઘટસ્ફોટ થતા બે મહિલા સહિત કુલ ૦૫ શખ્સો વિરુધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરતભાઈ મેવાડાએ મૂળ માલિક રાજેશભાઈ મણિલાલ પૂજારા પાસેથી વિશાલ ચેમ્બરની દુકાનો ખરીદી હતી. ત્યારબાદ ભરતભાઈએ જૂના ભાડુઆતો અને ગીરોખત ધારકોને પોતે નવા માલિક હોવાનું જણાવી દુકાનો ખાલી કરવા જણાવ્યું હતું.
આ પછી, ભરતભાઈ મેવાડાએ જૂના દુકાનદારોને દુકાનો વેચાણ પેટે આપીને તેમની પાસેથી રૂપિયા લીધા હતા. જોકે, આ જ દુકાનો પર ભરતભાઈ મેવાડા અને અન્ય બે મહિલા સહિત પાંચ શખ્સોએ કેનેરા બેંકમાંથી લોન પણ લીધી હતી. બાદમાં દુકાનોના દસ્તાવેજ કરી આપ્યા હતા.
જ્યારે કેનેરા બેંકમાં લોનની ભરપાઈ ન થતાં બેંકના મેનેજમેન્ટે દુકાનદારોનો સંપર્ક કર્યો, ત્યારે પાંચ જેટલા દુકાનદારો પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું. વેપારીઓએ કુલ રૂ.૮૩.૭૨ લાખની છેતરપિંડી અંગે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં (૧) ભરતભાઈ મેવાડા(રહે. સોલડી) (૨) સિધ્ધરાજસિહ દિલીપસિંહ ઝાલા(રહે. ધ્રાંગધ્રા) (૩) હરપાલસિંહ દિલુભા વાઘેલા(રહે. જેગડવા) (૪) જીતુબેન ભરતભાઈ મેવાડા(રહે. સોલડી) તથા (૫) પુનિબેન રમેશભાઈ મેવાડા(રહે. સોલડી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.



