સાયલાના જૂના જસાપરમાં ખનીજ ચોરી મામલે રૂ. 2.87 કરોડનો દંડ ફટકારાયો | A fine of Rs 2 87 crore was imposed in the case of mineral theft in Juna Jasapar Sayla

![]()
– મામલતદારની રેડ બાદ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી
– જમીન માલિકો અને મશીન સંચાલકોને કારણદર્શક નોટિસ ફટાકારી પુરાવા સાથે હાજર રહેવા ફરમાન
સાયલા : સાયલાના જૂના જસાપરમાં ખનીજ ચોરી મામલે રૂ.૨.૮૭ કરોડનો દંડ ફટકારાયો છે. મામલતદારની રેડ બાદ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી કરી જમીન માલિકો અને મશીન સંચાલકોને કારણદર્શક નોટિસ ફટાકારી પુરાવા સાથે હાજર રહેવા ફરમાન કર્યું છે.
સાયલા તાલુકાના જૂના જસાપર ગામે સર્વે નંબર-૫૨ પર મોટા પાયે ચાલી રહેલા બ્લેક ટ્રેપ ખનીજના ગેરકાયદેસર ખોદકામ પર ગત ૧૩ જાન્યુઆરીએ મામલતદારે આકસ્મિક દરોડો પાડયો હતો. આ કામગીરીમાં બે મશીનો ઝડપાયા બાદ તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી હતી. તપાસના અંતે વિભાગ દ્વારા બિનઅધિકૃત ખનન બદલ કુલ ૨,૮૭,૫૦,૫૩૫ નો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કૌભાંડમાં સંડોવાયેલા જમીન માલિકો, મશીન માલિકો તથા સંગ્રામભાઈ જોગરાણાને લેખિત નોટિસ પાઠવવામાં આવી છે. તમામ જવાબદારોને આગામી ૪ ફેબ્આરી ના રોજ જરૂરી આધાર-પુરાવા સાથે સુરેન્દ્રનગર ખાણ ખનીજ કચેરી ખાતે હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રેડ સાયલા મામલતદાર દ્વારા કરવામાં આવી હતી જ્યારે હાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા બજાવવામાં આવેલી નોટિસમાં સંયુક્ત કામગીરી દર્શાવવામાં આવી છે.
કોને-કોને હાજર રહેવા નોટિસ
(૧) હિમાબેન ખોડાભાઈ ભરવાડ, સેલાભાઈ ખોડાભાઈ ભરવાડ, બાધુબેન ખોડાભાઈ ભરવાડ, ભુરાભાઈ ખોડાભાઈ ભરવાડ, પુરીબેન હરજીભાઈ ભરવાડ (રહે. તમામ જુના જસાપર જમીન માલિક)
(૨) બાલાભાઈ સોનાભાઈ ઠાકોર (રહે. નવી કુંવર, તા.શંખેશ્વર,મશીન માલિક)
(૩) રઘુવીર ભાઈ પ્રવીણભાઈ ખાચર (રહે. નવા જસાપર, મશીન માલિક)
(૪) સંગ્રામભાઈ પોચાભાઈ જોગરાણા (રહે. જુના જસાપર)



