दुनिया

‘વાતચીત કરો અથવા ભયાનક હુમલા માટે તૈયાર રહો’ ટ્રમ્પનું ખામેનેઈને અલ્ટીમેટમ, ઈરાને પણ આપ્યો વળતો જવાબ | Trump Warns Iran: Negotiate Now or Face Operation Midnight Hammer 2 0 Military Action



US-Iran War Tension : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આક્રમક વલણ અપનાવતા તેને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ઈરાન કાં તો શાંતિથી વાતચીતની ટેબલ પર આવી જાય અથવા તો ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ કરતા પણ વધુ વિનાશક સૈન્ય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે. બીજી તરફ, ઈરાને પણ વળતો જવાબ આપતા કહ્યું છે કે, ‘અમે કોઈની ધાક-ધમકીમાં આવીશું નહીં અને જરૂર પડશે તો એવો જવાબ આપીશું, જે વિશ્વએ પહેલા ક્યારેય જોયો નથી.’

અમારો નૌકાદળ કાફલો આગળ વધી રહ્યો છે : ટ્રમ્પની ધમકી

ટ્રમ્પે (US President Donald Trump) જાહેરમાં ધમકી આપી છે કે, ‘ઈરાન તરફ એક વિશાળ નૌકાદળ કાફલો અત્યંત તાકાત, ઉત્સાહ અને સ્પષ્ટ હેતુ સાથે આગળ વધી રહ્યો છે. વિશાળ જહાજ અબ્રાહમ લિંકનની આગેવાની હેઠળનો આ કાફલો વેનેઝુએલા તરફ મોકલવામાં આવેલા કાફલા કરતા પણ મોટો છે. વેનેઝુએલાની જેમ જ આ કાફલો પણ સંપૂર્ણ રીતે સક્ષમ છે અને જરૂર પડ્યે મિશનને અંજામ આપવામાં જરાય અટકશે નહીં.’

આ પણ વાંચો : ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ડીલ, રોજગારીના સર્જન સહિત આ વસ્તુઓ સસ્તી થશે

ટ્રમ્પે ગત વર્ષનો હુમલો યાદ અપાવ્યો

ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેનેઈની સરકારને ગત વર્ષે થયેલા હુમલાની યાદ અપાવતા કહ્યું કે, ‘મેં પહેલા પણ ઈરાનને સમજૂતી કરવા માટે કહ્યું હતું, પરંતુ તેઓ ન માન્યા. જેનું પરિણામ ઓપરેશન મિડનાઈટ હેમર હતું, જેમાં ઈરાને ભારે તબાહી સહન કરવી પડી હતી. હવે પછીનો હુમલો તેનાથી પણ વધુ વિનાશકારી હશે. આવું ફરીથી ન થવા દેતા.’

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અમેરિકાએ માત્ર 25 મિનિટમાં ઈરાનના ત્રણ મહત્વના પરમાણુ ઠેકાણાઓ ફોર્ડો, નતાંજ અને ઈસ્ફાહાન પર ભીષણ હવાઈ હુમલા કર્યા હતા, જેમાં સાત સ્ટીલ્થ B-2 બોમ્બર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગુપ્ત ઓપરેશનમાં 125થી વધુ વિમાનો સામેલ હતા.

અમે વાતચીચ કરવા તૈયાર, પણ બળજબરીથી નહીં : ઈરાન

ટ્રમ્પની આ ધમકીના જવાબમાં ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ પરસ્પર સન્માન અને હિતોના આધારે વાતચીત કરવા તૈયાર છે, પરંતુ જો બળજબરી કરવામાં આવશે તો તે પોતાની રક્ષા કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. ઈરાની સત્તાધીશોએ જણાવ્યું છે કે, ‘અમે ધાક-ધમકીથી ડરનારા નથી અને જો હુમલો કરવામાં આવ્યો તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.’

સમય ઝડપથી નીકળી રહ્યો છે : ટ્રમ્પ

ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે, ઈરાન જલ્દીથી પરમાણુ હથિયાર વગરના ન્યાયપૂર્ણ અને સંતુલિત કરાર માટે તૈયાર થશે. ‘સમય ઝડપથી નીકળી રહ્યો છે અને હાલત નિર્ણાયક વળાંક પર છે,’ તેમ ટ્રમ્પે અંતમાં ઉમેર્યું હતું. હાલમાં સમગ્ર વિશ્વની નજર મધ્ય-પૂર્વના આ બે દેશો વચ્ચે સર્જાયેલા યુદ્ધ જેવી સ્થિતિ પર ટકેલી છે.

આ પણ વાંચો : સાઉદીનો મોટો નિર્ણય: અમેરિકાને ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે એરસ્પેસ નહીં વાપરવા દે



Source link

Related Articles

Back to top button