મધર ઓફ ઓલ ડીલ્સ’ અંગે અમેરિકાની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- આ સોદામાં ભારતને બમ્પર ફાયદો | first reaction from washington on india eu deal

![]()
India-eu free trade agreement : ભારત-યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર વોશિંગ્ટન તરફથી પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બિઝનેસ પ્રમુખે કહ્યું કે, આ ડીલમાં ભારત સૌથી વધારે ફાયદામાં રહેશે. અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીરે જણાવ્યું કે, ભારતને આ ડીલથી યુરોપમાં વધારે ‘માર્કેટ એક્સેસ’ મળશે.
ફોકસ બિઝનેસને આપેલા ઇન્ટરવ્યુમાં ગ્રીરે કહ્યું કે, “મને લાગે છે કે ભારત આ ડીલમાં ટોચ પર રહ્યું છે. ભારતને યુરોપમાં વધુ પ્રવેશ મળશે. એવું લાગી રહ્યું છે કે ભારતીય કામદારો માટે કેટલાક વધારાના ઇમિગ્રેશન અધિકારો પણ છે. યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેને ભારતીય કામદારોની ‘મોબિલિટી’ અંગે વાત કરી છે. આ ડીલથી ભારતને જ મોટો ફાયદો મળશે કારણ કે તેની પાસે લો-કોસ્ટ લેબર છે.”
ઐતિહાસિક ડીલ
આ ડીલ બે દાયકા લાંબી વાતચીત બાદ મંગળવારે, 27 જાન્યુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં ફાઇનલ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેને હૈદરાબાદ હાઉસ ખાતે તેની જાહેરાત કરી હતી. તેને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ગણાવવામાં આવી રહી છે. આ સમજૂતીના કારણે ભારતના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરને વેગ મળશે. રોકાણકારોનો વિશ્વાસ વધશે અને સાથે જ સિક્યોરિટી, ડિફેન્સ અને મોબિલિટી પાર્ટનરશિપ પર પણ સમજૂતી થઈ છે.
યુરોપ ઓવરપ્રોડક્શનનો શિકાર
ગ્રીરે રણનીતિક દ્રષ્ટિએ સમજાવ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકાના સ્થાનિક ઉત્પાદનને પ્રાથમિકતા આપી છે અને બીજા દેશો પાસેથી માર્કેટ એક્સેસ માટે ફી વસૂલવાનું શરૂ કર્યું છે. તેના કારણે યુરોપ જેવા દેશો ઓવરપ્રોડક્શનનો સામનો કરી રહ્યા છે અને તેઓ ભારત જેવા બજાર તરફ વળી રહ્યા છે.
ગ્રીરે ઇયુ પર કટાક્ષ કર્યો
ગ્રીરે EU પર કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ ગ્લોબલાઇઝેશન પર ‘ડબલ ડાઉન’ કરી રહ્યા છે, જ્યારે અમેરિકા ગ્લોબલાઇઝેશનની સમસ્યાને સ્થાનિક સ્તરે જ સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર ગયા વર્ષે ઓગસ્ટમાં 50 ટકા ટેરિફ લગાવ્યો હતો, જેના કારણે ભારતીય નિકાસકારોને નુકસાન પહોંચી રહ્યું છે. ખાસ કરીને લેબર ઇન્ટેન્સિવ સેક્ટર જેવા કે ટેક્સટાઇલ અને એપેરલ તેનાથી પ્રભાવિત છે. એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC) એ ચેતવણી આપી છે કે, અમેરિકી બજારમાં અચાનક થતું નુકસાન કાયમી ગ્રાહકો છીનવી લેશે અને વિયેતનામ તથા બાંગ્લાદેશ જેવા હરીફ દેશો તેનો ફાયદો ઉઠાવશે. માર્કેટ ડાઇવર્સિફિકેશનમાં 2-3 વર્ષ લાગે છે, જેના કારણે રોજગારી અને રોકાણ પણ પ્રભાવિત થઈ શકે છે.
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ પણ કરી ટીકા
બીજી તરફ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે EU ની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, EU એ ભારત પર રશિયન તેલ ખરીદવા અંગે દબાણ ન કર્યું. અમેરિકી ટેરિફના કારણે ભારતે રશિયન ઓઇલ ઇમ્પોર્ટ ઘટાડ્યું, પરંતુ યુરોપે ભારત પાસેથી રિફાઇન્ડ પ્રોડક્ટ્સ ખરીદીને પરોક્ષ રીતે યુદ્ધને ફંડ આપ્યું છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકા-EU સંબંધો તણાવપૂર્ણ છે. ગયા વર્ષે અમેરિકાએ EU પર ટેરિફ 15 ટકા સુધી ઘટાડ્યો હતો, પરંતુ ગ્રીનલેન્ડ વિવાદ બાદ ટ્રમ્પે તેને 30 ટકા સુધી વધારવાની ધમકી આપી હતી. ત્યારબાદ તે ફ્રેમવર્ક એગ્રીમેન્ટથી દૂર રહ્યું. ટેક રેગ્યુલેશન અંગે પણ બંને પક્ષો વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.
ટ્રમ્પના દબાણને કારણે ડીલ શક્ય બની
આ ડીલ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ પોલિસીના દબાણ હેઠળ થઈ હોવાનું માનવામાં આવે છે, જ્યાં ભારત અને EU બંને વોશિંગ્ટનના સૌથી મોટા એક્સપોર્ટ માર્કેટ હોવાને કારણે વૈકલ્પિક રસ્તાઓ શોધી રહ્યા છે. ભારત માટે આ તક છે કે તે લો-કોસ્ટ લેબર અને મોટા બજારનો ફાયદો ઉઠાવીને વૈશ્વિક વેપારમાં મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી શકે.



