અમદાવાદ ગ્રામ્ય કોર્ટને 25 દિવસમાં બીજી વખત ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ | Ahmedabad Rural Court Receives Bomb Threat Again Authorities on High Alert

![]()
Ahmedabad Rural Court Receives Bomb Threat: અમદાવાદમાં ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો છે. માત્ર 25 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત ન્યાય સંકુલને નિશાન બનાવવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
ઈ-મેઇલ મળતાં જ સર્ચ ઓપરેશન શરુ
મળતી માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્ય કોર્ટના સત્તાવાર મેઇલ આઇડી પર બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હતો. આ ઘટનાને લઈને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો તાત્કાલિક કોર્ટ સંકુલમાં પહોંચી હતી. કોર્ટના ગેટથી લઈને દરેક માળ અને રૂમમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો છે અને કોર્ટમાં આવતાં-જતાં લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ ઍરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઇલથી ધમકી, ઍરપોર્ટ સિક્યુરિટીએ નોંધાવી ફરિયાદ
25 દિવસમાં બીજી વખત ધમકી
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગત પાંચમી જાન્યુઆરીના રોજ પણ આ જ પ્રકારે ગ્રામ્ય કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. એરપોર્ટ અને હવે વારંવાર કોર્ટને મળતી આ ધમકીઓને પગલે તંત્ર ઍલર્ટમાં છે. 25 દિવસમાં બીજી વાર મળેલી આ ધમકી કોઈ તોફાની તત્ત્વોનું કૃત્ય છે કે કોઈ મોટું કાવતરું, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
વારંવાર એક જ સંસ્થાને ટાર્ગેટ કરતાં મેઇલ ક્યાંથી અને કયા IP એડ્રેસ પરથી આવી રહ્યા છે, તેની તપાસ માટે અમદાવાદ સાયબર ક્રાઇમની મદદ લેવામાં આવી રહી છે. અગાઉની ધમકીના તાર અને વર્તમાન ઘટના વચ્ચે કોઈ કનેક્શન છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. હાલમાં સમગ્ર કોર્ટ સંકુલને પોલીસ સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યું છે.

