ગોધરા મારામારી કેસ: પાલિકા ઉપપ્રમુખ સહિત 9 આરોપીઓને હવે જેલ જવું પડશે, ઉપલી કોર્ટે સજા યથાવત્ રાખી | Godhra Violence Case: Court Maintains 4 Year Imprisonment for 9 Accused

![]()
Godhra Violence Case: પંચમહાલ જિલ્લાના ગોધરામાં વર્ષ 2014માં બનેલી બહુચર્ચિત મારામારીની ઘટનામાં ન્યાયિક પ્રક્રિયાના અંતે મોટો વળાંક આવ્યો છે. ગોધરાની ઉપલી કોર્ટે નગરપાલિકાના ઉપપ્રમુખ અને રેડક્રોસ સોસાયટીના હોદ્દેદારો સહિત કુલ નવ આરોપીઓની 4 વર્ષની કેદની સજા અને દંડના હુકમને યથાવત્ રાખ્યો છે. કોર્ટના આ આદેશ બાદ તમામ દોષિતોને તાત્કાલિક અસરથી જેલ ભેગા કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, વર્ષ 2014માં ગોધરા શહેરના સ્ટેશન રોડ પર બી-ડિવિઝન પોલીસ મથકની બિલકુલ સામે આવેલી ‘શંકર લોજ’ ખાતે મારામારીની ઘટના સામે આવી હતી. ટ્રાવેલ્સના વ્યવસાયની જૂની અદાવતને લઈને સુનીલ લાલવાણી, સુરેશ દેરાઈ સહિતના શખસો અને લોજના સંચાલક સતીષ હરવાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ અદાવત રાખીને તે જ દિવસે રાત્રે તમામ આરોપીઓએ ટોળું વળી શંકર લોજ પર હુમલો કરી સતીષ હરવાણી સાથે મારામારી કરી હતી. આ મામલે ગોધરા શહેર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ મામલે વર્ષ 2024માં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે તમામ નવ આરોપીઓને દોષિત ઠેરવી 4 વર્ષની સાદી કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આરોપીઓએ આ સજા સામે ઉપલી કોર્ટમાં અપીલ કરી હતી. આજે ગોધરાની સેસન્સ કોર્ટના જજ સી.કે. ચૌહાણે નીચલી કોર્ટના હુકમમાં કોઈ ફેરફાર કરવાની ના પાડી સજા યથાવત્ રાખવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: ડાંગના સાપુતારામાં ઘાટ પર સૈન્યની ટ્રક પલટતાં અફરાતફરી, 9 જવાનો ઈજાગ્રસ્ત
કોને કોને થઈ સજા?
સજા પામેલા શખસોમાં શહેરના પ્રતિષ્ઠિત અને રાજકીય કદ ધરાવતા નામો સામેલ છે. જેમાં સુનીલ લાલવાણી (ઉપપ્રમુખ, ગોધરા નગરપાલિકા), સુરેશ દેરાઈ (વાઈસ ચેરમેન, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી), અનિલ લાલવાણી, અશોકકુમાર, ભાવેશ ફટવાણી, ચમન કલવાણી, મનીષ લાલવાણી, જીતુ લાલવાણી અને મનોજ ગોવરાણી પણ સામેલ છે.
તમામ દોષિતોને રાજકોટ જેલમાં ખસેડાયા
કોર્ટનો આદેશ આવતા જ સામાજિક અને રાજકીય વર્તુળોમાં દોડધામ મચી ગઈ હતી. તમામ નવ દોષિતોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર અને વ્યવસ્થાના ભાગરૂપે આ તમામ શખસોને ગોધરા સબજેલથી રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.



