गुजरात

અમદાવાદ ઍરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઇલથી ધમકી, ઍરપોર્ટ સિક્યુરિટીએ નોંધાવી ફરિયાદ | Email Threat to Blow Up Ahmedabad Airport Sparks Security Alert and Police Action



Ahmedabad Airport Bomb Threat: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) ઍરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. 27મી જાન્યુઆરી 2026ના રોજ મળેલી આ ધમકીને પગલે ઍરપોર્ટ અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ખાલિસ્તાની વિચારધારા ધરાવતા તત્ત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની આશંકા વચ્ચે ઍરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સમગ્ર કેમ્પસમાં સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે.

‘અમદાવાદ ઍરપોર્ટ ટાર્ગેટ પર છે’

મળતી માહિતી અનુસાર, આ ધમકી એક અજાણ્યા ઈ-મેઇલ આઇડી aldurham420@gmail.com (Amber Durham) પરથી મોકલવામાં આવી હતી. આ મેઇલ ઍરપોર્ટના સત્તાવાર ઈ-મેઇલ આઇડી dtm.amd@adani.com તેમજ અન્ય ફીડબેક આઇડી પર 27મી જાન્યુઆરીના રોજ સવારે 11.05 વાગ્યે મળ્યો હતો. ઈ-મેઇલના સબ્જેક્ટમાં ‘BOMB Blast luggage Section’ લખેલું હતું. મેસેજમાં જણાવાયું હતું કે, ‘અમદાવાદ ઍરપોર્ટ ટાર્ગેટ પર છે. શીખો હિન્દુ નથી અને મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન છે.’ આ સાથે જ ઍરપોર્ટને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાંથી દારૂની ખાલી બોટલો મળી, 24 કલાક સિક્યોરિટી છતાં મહેફિલ!

ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં જ ઍરપોર્ટના ચીફ સિક્યોરિટી ઑફિસર અને અદાણી ગ્રૂપના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સવારે 11.20 વાગ્યે ‘બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી’ની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. અંદાજે અડધા કલાક સુધી ચાલેલી આ બેઠકમાં તમામ ચકાસણી કરવામાં આવી હતી. અંતે, કમિટીએ આ ધમકીને ‘નોન-સ્પેસિફિક’ જાહેર કરી હતી, છતાં સાવચેતીના ભાગરૂપે ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું હતું.

આ મામલે અમદાવાદ ઍરપોર્ટના લેન્ડ સાઇડ સિક્યોરિટી ડ્યુટી મેનેજર રવિકાન્ત ભારદ્વાજે ઍરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઇટી ઍક્ટ અને ગુનાહિત ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી ઈ-મેઇલ કરનારનું લોકેશન ટ્રેસ કરવા સાયબર સેલની મદદ લીધી છે. આ કેસમાં પવનસિંગ ચૌહાણ અને અશોક રણવા જેવા અધિકારીઓની સાક્ષી તરીકે પૂછપરછ કરવામાં આવી રહી છે.



Source link

Related Articles

Back to top button