બિલોદરા ગામની સીમમાં વાહનની ટક્કરે અજાણ્યા શખ્સનું મોત નિપજ્યું | An unidentified person died in a collision with a vehicle on the outskirts of Bilodara village

![]()
– અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત
– મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો : આ અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
નડિયાદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આવેલા બિલોદરા ગામની સીમ નજીક અજાણ્યા શખ્સનું અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ તાલુકાના બિલોદરા ગામમાં રહેતા ચેતન રતિલાલ જાદવ સોમવારની રાત્રે ખેતરમાં આંટો મારવા ગયા હતા. ત્યારે એક્સપ્રેસ હાઈવે પર વડોદરાથી અમદાવાદ તરફ જતી લેનમાં પસાર થતા અજાણ્યા શખ્સના મોંઢા ઉપર અજાણ્યા વાહનનું ટાયર ફરી વળતા મોઢું ચપ્પટ થઈ ગયું હતું. જ્યારે તેના હાથ ઉપર ટાયર ફરી વળ્યાનું નિશાન જોવા મળ્યું હતું. આશરે ૩૦થી ૪૦વર્ષના શખ્સનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા નડિયાદ ગ્રામ્ય પોલીસ, પેટ્રોલિંગ વાહન, ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. આ અજાણ્યા શખ્સે કેસરી કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પેરેલ છે. આ અજાણ્યા શખ્સની ઓળખ થયેલી નથી. આ બનાવ અંગે ચેતનભાઇ રતિલાલ જાદવની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



