પાંચ દિવસના સપ્તાહની માગણી સાથે બેન્ક કર્મચારીઓની હડતાલ સફળ રહી | bank Strike with demand of five days week

![]()
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
સપાંચ દિવસનું સપ્તાહ કરી આપવાની માગણી સાથે ગુજરાત સહિત દેશભરના
બેન્ક કર્મચારીઓએ આજે પાડેલી હડતાલ સંપૂર્ણ સફળ રહીહતી. અમદાવાદના ૮૦૦થી ૧૦૦૦ બેન્ક
કર્મચારીઓએ અમદાવાદના ઇન્દુચાચાના સ્ટેચ્યુથી લઈને આશ્રમ રોડ પર વલ્લભ સદન સુધી રેલી
કાઢીને પાંચ દિવસનું સપ્તાહ કરી આપવાની માગણી કરતાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ
થોડીવાર વલ્લભ સદન રોકાઈને ઇન્દુચાચાના સ્ટેચ્યુ સુધી પરત ફરીને પાછા ફરી ગયા હતા.
ગુજરાતના અમદાવાદ, ઉપરાંત
રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર જૂનાગાઢ અને ગાંધીનગરમાં પણ હડતાલ
સંપૂર્ણ સફળ રહી હતી. બેન્ક કર્માચારીઓ માટે પાંચ દિવસના અઠવાડિયાની પંદર વર્ષથી
ચાલી રહેલી માગણીની કેન્દ્ર સરકાર દ્વારા અવગણના કરવામાં આવી રહી હોવાનું જણાવી
તેની સામે વિરોધ નોંધાવ્યો હતો અને આ વ્યવસ્થા તત્કાળ લાગુ કરવાની માગણી કરી હતી.
પાંચ દિવસનું અઠવાડિયું લાગુ કરવામાં આવે તો પાંચ દિવસ સુધી બેન્ક કર્મચારીઓ રોજના
૪૦ મિનિટ વધારે કામ કરવા પણ તૈયાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે
૨૦૨૩માં સરકાર સાથે ચર્ચા કરીને સમજૂતી પણ કરી લેવામાં આવેલી છે. છતાંય કેન્દ્ર
સરકાર આ મુદ્દે નિષ્ક્રિય થઈ ગઈ છે. ઓલ ઇડિયા બેન્ક એમ્પ્લોયી યુનિયનના જનરલ
સેક્રેટરી સી.એચ. વેન્કટચલમનું કહેવું છે કે હડતાલને કારણે બિલ ટ્રેડિંગ અને બિલ
ડિસ્કાઉન્ટિંગની કામગીરી પણ ખોરવાઈ ગઈ હતી.
બેન્કર્સની હડતાલને
પરિણામે ચેક ક્લિયરિંગના કામ અને નાણાંકીય લેવડદેવડના કામકાજ ખોરવાઈ ગયા હોવાનું
યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિટનના સૂત્રોએ જણાવ્યું હતું. એક અંદાજ મુજબ દેશમાં
હડતાલને કારણે અંદાજે રુ. ૪ લાખ કરોડના મૂલ્યના ચેકના ક્લિયરિંગના કામ અટકી પડયા
હતા. આજની
હડતાલમાં દેશભરમાંથી આઠ લાખ બેન્ક કર્મચારીઓ જોડાયા હતા.
મધ્યપ્રદેશ અને ઝારખંડમાંથી મળતા અહેવાલ મુજબ બેન્કની
હડતાલને પરિણામે સંખ્યાબંધ એટીએમમાં રોકડ ખૂટી પડી હતી. જાહેર ક્ષેત્રની બેન્કોની
ગુજરાત સહિતની દેશભરના બ્રાન્ચોએ જડબેસલાક બંધ પાળ્યો હતો. જોકે એચડીએફસી અને
આઈસીઆઈસીઆઈ બેન્ક તથા એક્સિસ બેન્ક સહિતની ખાનગી બેન્કોએ તેમના કામકાજ ચાલુ રાખ્યા
હતા.
યુપીઓઈ અને ડિજિટલ પેમેન્ટ ચાલુ રહ્યા
બેન્ક કર્મચારીઓની હડતાલ
છતાં ડિજિટલ પેમેન્ટ અને યુપીઓથી પેમેન્ટ કરવાની કામગીરી પૂર્વવત ચાલુ જ રહી હતી.
તેના પર કોઈજ અવળી અસર પડી નહોતી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ હડતાલને કારણે
બેન્કની કામગીરી પર અવળી અસર પડી હોવાની જાહેરાત કરી હતી.



