गुजरात

કેન્સરની દવાની આડઅસર ઘટાડવા હળદરનો ઉપયોગ કરીને સ્માર્ટ ડ્રગ ડિલિવરી સિસ્ટમ વિકસાવી | researchers of chemistry department of msu develop targeted drug delivery system for cancer



વડોદરાઃ રસોડાનો અનિવાર્ય હિસ્સો ગણાતી હળદરનો ઉપયોગ કરીને  એમ.એસ.યુનિવર્સિટીના સંશોધકોએ કેન્સરની દવાઓની આડ અસર ઘટાડવા માટેની સ્માર્ટ ડ્રગ ડિલિવરી સિસ્ટમ વિકસાવી છે.

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર સોનલ ઠાકોરના માર્ગદર્શન હેઠળ ત્વરા કિકાણી અને કૃતિકા પટેલની ટીમે આ સંશોધન કર્યું છે.તેમનું કહેવું છે કે, કેન્સરની સારવાર માટેની દવાઓ કેન્સરના કોષોની સાથે શરીરના સારા કોષોને પણ નુકસાન પહોંચાડે છે.કારણકે કેન્સરની દવા સારા અને ખરાબ કોષો વચ્ચેનો તફાવત પારખી  શકતી નથી.આ સમસ્યા બહુ જૂની છે.તેના ઉકેલ માટે અમે એગ્રિગેશન ઈન્ડયુસ્ડ એમિશન ટેકનિકનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયા થકી હળદરની અંદર રહેલા કરક્યુમિન નામના ઘટકને નેનો પાર્ટિકલ્સમાં ફેરવ્યા છે.દવા પર તેનુ કોટિંગ કરવામાં આવ્યા બાદ દવાને જ્યારે શરીરમાં દાખલ કરવામાં આવે છે ત્યારે તે કેન્સરના કોષોને શોધીને તેને જ ટાર્ગેટ કરે છે.આથી સ્વસ્થ કોષોને થતું નુકસાન અટકે છે.જેનાથી દવાની આડ અસર ઘટી જાય છે.અત્યારે અમે દવાનો પ્રયોગ લિવર અને બ્રેસ્ટ કેન્સરના કોષો પર કર્યો છે.એ પછી અન્ય પ્રકારના કેન્સરના કોષો પર પણ તેનો અખતરો કરવાની યોજના છે.અમેરિકન કેમિકલ સોસાયટી દ્વારા પ્રકાશિત થતી પ્રતિષ્ઠિત જર્નલ બાયોમેક્રોમોલેક્યુલ્સમાં આ સંશોધનને સ્થાન મળ્યું છે.સંશોધકોએ સ્માર્ટ ડ્રગ ડિલિવરી સિસ્ટમનો નિરમા યુનિવર્સિટી સાથેના સહયોગથી ઉંદરો પર પણ અભ્યાસ કર્યો છે.જેમાં પણ હકારાત્મક અને ઉત્સાહજનક પરિણામો મળ્યા છે.

નેનો પાર્ટિકલ્સ સ્પોટ લાઈટનું પણ કામ કરે છે

સંશોધકોના જણાવ્યા પ્રમાણે કરક્યુમિનના નેનો પાર્ટિકલ્સ સ્પોટ લાઈટનું પણ કામ કરે છે.તેના પર કરવામાં આવેલી એક રાસાયણિક પ્રક્રિયાના કારણે નેનો પાર્ટિકલ્સ દવા સાથે કેન્સરના ટયુમર પાસે એકઠા થાય છે ત્યારે તેના પર પ્રકાશ ફેંકે છે.તેની ઈમેજ પણ લઈ શકાય છે.જેનાથી ખબર પડે છે કે, કેન્સરના ટયુમરના કદમાં દવા આપ્યા બાદ ઘટાડો થયો છે કે નહીં?તેના કારણે દવાના ડોઝમાં ફેરફાર કરવાની પણ ખબર પડે છે.



Source link

Related Articles

Back to top button