राष्ट्रीय

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિવાદમાં ઉમા ભારતીની એન્ટ્રી, મમતા કુલકર્ણીની પણ મુશ્કેલી વધી | Shankaracharya Row: Uma Bharti Enters Avimukteshwaranand Dispute as Mamata Kulkarni Gets Expelled



Shankaracharya Avimukteshwaranand Controversy : પ્રયાગરાજના માઘ મેળામાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના સ્નાન અને શંકરાચાર્ય પદને લઈને શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આ વિવાદમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીની એન્ટ્રી થઈ છે, જેમણે વહીવટીતંત્ર દ્વારા પુરાવા માંગવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. બીજી તરફ, અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર મમતા કુલકર્ણી ઉર્ફે યામાઈ મમતા નંદ ગિરી સામે કિન્નર અખાડાએ લાલ આંખ કરીને તેમને પદ પરથી હાંકી કાઢ્યા છે.

વિવાદમાં ઉમા ભારતીની એન્ટ્રીક, યોગી સરકારને આપી સલાહ

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘મને વિશ્વાસ છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ અને ઉત્તર પ્રદેશ સરકાર વચ્ચે કોઈ સકારાત્મક સમાધાન નીકળી આવશે. પરંતુ વહીવટી અધિકારીઓ દ્વારા શંકરાચાર્ય હોવાના પુરાવા માંગવા એ વહીવટીતંત્રની પોતાની મર્યાદાઓ અને અધિકારોનું ઉલ્લંઘન છે. આ અધિકાર માત્ર શંકરાચાર્યો અને વિદ્વાન પરિષદનો છે.’

તેમણે અન્ય પોસ્ટમાં લખ્યું કે, ‘યોગી વિરોધીઓ ખુશ ન થાય, મારું કથન યોગીજીની વિરુદ્ધ નથી, હું તેમના પ્રત્યે સન્માન, સ્નેહ અને શુભકામનાની ભાવના રાખું છું. પરંતુ હું એ વાત પર કાયમ છું કે પ્રશાસન કાયદો અને વ્યવસ્થા પર કડકાઈથી નિયંત્રણ રાખે, પરંતુ કોઈના શંકરાચાર્ય હોવાના પુરાવા માંગવા એ મર્યાદાનું ઉલ્લંઘન છે, આ માત્ર શંકરાચાર્ય અથવા વિદ્વાન પરિષદ જ કરી શકે છે.’

આ પણ વાંચો : UGC વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

તેમનામાં ઘણો અહંકાર : મમતા કુલકર્ણીનું વિવાદાસ્પદ નિવેદન

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ મોરચો ખોલતા મમતા કુલકર્ણીએ બે દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે, ‘કાયદો દરેક માટે સમાન છે પછી તે રાજા હોય કે રંક, ગુરુ હોય કે શિષ્ય. માત્ર ચાર વેદ કંઠસ્થ કરી લેવાથી કોઈ શંકરાચાર્ય બની જતું નથી. તેમનામાં ઘણો અહંકાર છે અને આત્મજ્ઞાન શૂન્ય છે.’ આ નિવેદન બાદ સંત સમાજ અને અખાડા પરિષદમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીની હકાલપટ્ટી કરી

આચાર્ય મહામંડલેશ્વર સ્વામી પ્રો. ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ મમતા કુલકર્ણીના નિવેદનોથી અખાડાને અલગ કરતા મમતાને કિન્નર અખાડામાંથી હાંકી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે, ‘શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અંગે જે નિવેદન મમતા કુલકર્ણીએ આપ્યું છે તે તેમનું અંગત નિવેદન છે અને આ મુદ્દે તેમણે કિન્નર અખાડા સાથે કોઈ વિચાર-વિમર્શ કર્યો નથી. કિન્નર અખાડો કોઈ પણ વિવાદ ઈચ્છતો નથી, તેથી અમે મમતા કુલકર્ણીથી દૂરી બનાવી લીધી છે અને હવે તે અખાડાના સભ્ય પણ નથી.’

કિન્નર અખાડાએ પ્રશાસન પર નિશાન સાધ્યું

લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ વધુમાં ઉમેર્યું કે, ‘સનાતનની મજાક ન ઉડવી જોઈએ. મને એ વાતનું દુઃખ છે કે બટુક બ્રાહ્મણોની શિખા પકડીને ખેંચવામાં આવી અને તેમને માર મારવામાં આવ્યો. બટુકો સાથે જે થયું તેના પર અમને પણ નારાજગી છે. પ્રશાસને જે રીતે સ્થિતિ સંભાળવી જોઈતી હતી તે રીતે સંભાળી નથી.’ તેમણે સ્પષ્ટ કર્યું કે કિન્નર અખાડાના ગુરુ જૂના અખાડાના સંરક્ષક મહંત હરિ ગિરી મહારાજ છે અને અખાડો તમામ વિવાદોથી દૂર રહેવા માંગે છે.

મમતા કુલકર્ણીને 2025માં મહામંડલેશ્વર બનાવાયા હતા

મમતા કુલકર્ણીને 24 જાન્યુઆરી 2025ના રોજ મહાકુંભમાં કિન્નર અખાડા દ્વારા મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા, પરંતુ માત્ર એક જ વર્ષમાં આ ટિપ્પણીના કારણે તેમને બહાર કરી દેવાયા છે. કિન્નર અખાડાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પરંપરાઓનું સન્માન કરે છે અને કોઈ પણ વ્યક્તિ પરંપરા પર આંગળી ઉઠાવે તે તેમને મંજૂર નથી.

શું હતો વિવાદ ?

રવિવારે (18 જાન્યુઆરી, 2026) સવારે લગભગ 9:47 વાગ્યે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમના અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈને સંગમ કિનારે પહોંચ્યા હતા. સંગમ તટ પર જ્યાંથી ઘાટ માત્ર 50 મીટર દૂર હતો, ત્યાં પ્રશાસને તેમને પાલખીમાં બેસીને આગળ વધતા અટકાવ્યા હતા અને પગપાળા સ્નાન કરવા વિનંતી કરી હતી. જોકે તેમના અનુયાયીઓએ વિરોધ કર્યો હતો અને ધક્કા-મુક્કી કરતા સંગમ વોચ ટાવર સુધી પહોંચી ગયા હતા. આ મામલો વધુ વણસ્યો જ્યારે પોલીસ બળે શંકરાચાર્યને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમના કેટલાક અનુયાયીઓને ઘસડીને પોલીસ ચોકીમાં લઈ જવાયા હતા. સ્થિતિ એવી વણસી હતી કે, અવિમુક્તેશ્વરાનંદે મેળા અને સ્થાનિક તંત્ર વિરુદ્ધ દેખાવ કરવાની સાથે ધરણા કર્યા હતા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે પ્રયાગરાજ મેળા તંત્રએ તેમને બે નોટિસ ફટકારી હતી, જેને લઈને આ વિવાદ ચાલી રહ્યો છે.

કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાના સરકાર પર પ્રહાર

આ વિવાદમાં રાજકીય એન્ટ્રી કરતા કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ લખ્યું કે, ‘ધર્મના નામે રાજકીય રોટલા શેકનારાઓ હવે સત્તાના અહંકારમાં સનાતન ધર્મનું અપમાન કરવાનું અધર્મ કરી રહ્યા છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જી પાસે શંકરાચાર્ય હોવાના પુરાવા માંગવા અસ્વીકાર્ય છે. પુરોહિતોને શિખા પકડીને ઘસડવા અને સંતોના પવિત્ર સ્નાનમાં વિઘ્ન નાખવું શરમજનક છે. ભાજપે અહંકાર છોડીને તુરંત માફી માંગવી જોઈએ.’

અવિમુક્તેશ્વરાનંદ 10 દિવસથી ધરણા પર

છેલ્લા 10 દિવસથી પ્રયાગરાજમાં અવિમુક્તેશ્વરાનંદના ધરણા ચાલુ છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, ‘આ વિરોધ સતત ચાલુ રહેશે. માઘ મેળો પૂરો થયા પછી અમે પાછા જઈશું અને આગલી વખતે ફરીથી પ્રયાગરાજમાં ધરણા પર બેસીશું. અમારો શિબિરમાં પ્રવેશ ત્યારે જ થશે જ્યારે અમારું સન્માનપૂર્વક સંગમ સ્નાન થશે.’

આ પણ વાંચો : બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં વિવાદ



Source link

Related Articles

Back to top button