નવસારીથી ઝડપાયો અલ-કાયદાથી પ્રભાવિત યુવક! હથિયારો ખરીદી હુમલાનું કાવતરું રચી રહ્યો હતો | Gujarat ATS Nabs Suspicious Youth from Navsari

![]()
Gujarat ATS: ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)ની ટીમે સોમવારે (25મી જાન્યુઆરી) નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં વસવાટ કરી રહ્યો હતો.
ફૈઝાન શેખ આતંકી વિચારધારાથી પ્રભાવિત
ATSની તપાસમાં સામે આવ્યું છે કે, ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. ઓનલાઇન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઇઝ થયા બાદ, તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથના વ્યક્તિઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું હતું.
આ આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદે રીતે હથિયાર અને જીવતા કારતૂસ (એમ્યુનિશન) પણ મેળવી લીધા હતા. હાલ એટીએસ આ મામલે તપાસ કરી રહી છે કે તેને હથિયારો કોણે પૂરા પાડ્યા અને તેના અન્ય કોઈ સાથીદારો આ કાવતરામાં સામેલ છે કે કેમ.



