राष्ट्रीय

ઔંધના રાજાએ લોકશાહીના અમલ માટે સિંહાસન ત્યજી દીધું હતું, ગાંધીજીએ પણ તેમની પ્રશંસા કરતો લેખ લખ્યો હતો | Raja of Aundh: The King Who Renounced His Throne for Democracy and Won Mahatma Gandhi’s Praise



Raja of Aundh : ભારતીય ઇતિહાસમાં રાજાઓ, મહારાજાઓ અને નવાબોની ઘણી કહાનીઓ મળે છે, પરંતુ બહુ ઓછા એવા શાસકો થયા છે જેમણે પોતાની સત્તા સ્વેચ્છાએ પ્રજાને સોંપી દીધી હોય. આવું એક અનોખું અને સાહસિક પગલું 1930ના દાયકામાં મહારાષ્ટ્રના નાનકડા રજવાડા ઔંધમાં લેવાયું હતું. ચાલો જાણીએ કે, એ પ્રજાવત્સલ રાજા કોણ હતા, અને તેમણે રાજ સુધારાના એવા તો કેવા પગલાં ભર્યાં હતાં કે ખુદ મહાત્મા ગાંધીજીએ એમની પ્રશંસા કરતો લેખ લખવો પડ્યો હતો. આજે 26 જાન્યુઆરીએ એ રાજાને યાદ કરીએ, જેમને ઈતિહાસ લોકશાહી વિચારના શિલ્પકાર તરીકે પણ ઓળખે છે. 

આધુનિક લોકશાહીના વિચારના શિલ્પકાર 

આપણે જે રાજાની વાત કરી રહ્યા છીએ એ છે ઔંધના રાજા ભવાનરાવ શ્રીનિવાસરાવ પંત પ્રતિનિધિ, જે બાળાસાહેબ પંત પ્રતિનિધિ તરીકે લોકપ્રિય હતા. તેમણે ‘રાજા’ તરીકે શાસન કરવાની જગ્યાએ પ્રજાને સ્વશાસન આપવાનો માર્ગ પસંદ કર્યો હતો. 1938માં તેમણે ઔંધ રાજ્યની સત્તા સ્વેચ્છાએ પ્રજાને સોંપીને બંધારણ હેઠળ સંપૂર્ણ સ્વશાસનની વ્યવસ્થા અમલમાં મૂકી હતી. આ એક એવું પગલું હતું જે તે સમયના રાજાશાહી ભારત માટે અત્યંત દુર્લભ હતું. આ નિર્ણય માત્ર રાજકીય નહીં, પરંતુ વિચારધારાત્મક ક્રાંતિ હતો કારણ કે, તેમાં લોકશાહી, ગ્રામ સ્વરાજ્ય અને પ્રજાકલ્યાણને કેન્દ્રમાં રખાયા હતા. 

ગાંધીજીએ પણ ‘હરિજન’માં તેમની પ્રશંસા કરી હતી 

બાળાસાહેબ પંત ગાંધીવાદી વિચારોથી પ્રભાવિત હતા અને ગ્રામ પંચાયત, મફત પ્રાથમિક શિક્ષણ, નાગરિક સ્વતંત્રતા અને સત્તાના વિકેન્દ્રીકરણના મજબૂત સમર્થક હતા, તેથી જ તેમણે સ્વેચ્છાએ પ્રજાને રાજ સોંપી દીધું હતું. તેમની આગવી અને પ્રગતિશીલ શાસન વ્યવસ્થાથી પ્રભાવિત મહાત્મા ગાંધીએ 11 ઑગસ્ટ 1940ના રોજ તેમના સાપ્તાહિક સામયિક ‘હરિજન’માં લખ્યું હતું કે, ‘ઔંધ નાનું રાજ્ય છે, પણ તેના શાસકે તેને મહાન બનાવ્યું છે, કારણ કે તેણે પોતાની પ્રજાને સંપૂર્ણ સ્વ-શાસન આપ્યું છે.’ આ શબ્દો કોઈ સામાન્ય પ્રશંસા નહોતા. ગાંધીજી માટે ઔંધ ગ્રામીણ લોકશાહીના જીવંત પ્રયોગ સમાન હતું.

કાકા પર કાવતરાનો આરોપ અને અણધાર્યું રાજ્યારોહણ

બાળાસાહેબ પંત પ્રતિનિધિનો જન્મ 24 ઓક્ટોબર, 1868ના રોજ થયો હતો. તેઓ પૂણેની ડેક્કન કોલેજમાં ભણ્યા હતા અને પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. તેમના ગુરુ રામકૃષ્ણ ગોપાલ ભંડારકર જેવા વિદ્વાન હતા, જેમણે બાળાસાહેબની વિચારધારા ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1910માં 42 વર્ષની વયે બાળાસાહેબ રાજા બન્યા, એ પણ અચાનક સર્જાયેલી સ્થિતિને કારણે. થયું એવું કે બાળાસાહેબના કાકા નાનાસાહેબ પર રાજકીય કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો, પરિણામે તેઓ રાજગાદી છોડવા મજબૂર થઈ ગયા અને રાજનો કારભાર બાળાસાહેબને શિરે આવ્યો.

ઔંધનું બંધારણ નાનું પરંતુ દ્રષ્ટિવાન હતું

નવેમ્બર 1938માં બાળાસાહેબે ઔંધ રાજ્યની સત્તા પ્રજાને સોંપવાની જાહેરાત કરી. તેના અમલ માટે એક લેખિત બંધારણ તૈયાર કરાયું. આ બંધારણ તૈયાર કરવામાં મહાત્મા ગાંધી, બાળાસાહેબના પુત્ર અપ્પાસાહેબ પંત અને પોલિશ-યહૂદી મૂળના વિચારક મોરિસ ફ્રાઇડમેન જોડાયા. માત્ર ચાર પાનાનું હોવા છતાં આ બંધારણમાં અદ્ભુત આધુનિક વિચારધારા હતી. સત્તાને રાજમહેલમાંથી ગામ સુધી લઈ જતા બંધારણ અનુસાર ઔંધના તમામ નાગરિકોને નીચે મુજબના હક અને સગવડ મળતાં હતાં.

– બોલવાની અને લખવાની સ્વતંત્રતા

– ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા

– ભેદભાવ વિના ન્યાય મેળવવાનો હક

– મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ

– સત્તાનું વિકેન્દ્રીકરણ

ગ્રામ પંચાયતથી વિધાનસભા સુધી

ઔંધમાં ત્રણ સ્તરની લોકશાહી વ્યવસ્થા હતી, જે ગાંધીજીના ગ્રામ સ્વરાજ્યના વિચારોને જીવંત કરતી હતી.

1. પાંચ સભ્યોની ગ્રામ પંચાયત

2. તાલુકા પંચાયત

3. ચૂંટાયેલા પ્રતિનિધિ અને શાસક દ્વારા નિમાયેલા સભ્યોની વિધાનસભા

કળાપ્રેમી અને જ્ઞાનના ઉપાસક ઔંધના રાજા

રાજકારણ સિવાય બાળાસાહેબ કળા, સાહિત્ય, યોગ અને સ્વદેશી ઉદ્યોગોના પ્રખર પ્રોત્સાહક હતા. વિવિધ ક્ષેત્રે તેમણે આપેલા પ્રમુખ પ્રદાન જોઈએ.  

1. કિર્લોસ્કર ઉદ્યોગોને ટેકો આપ્યો

બાળાસાહેબે કિર્લોસ્કર ઉદ્યોગોને ટેકો આપ્યો. કિર્લોસ્કર ઉદ્યોગો ભારતના સ્વદેશી ઔદ્યોગિક વિકાસનું મહત્ત્વપૂર્ણ પ્રતીક છે, જેના સ્થાપક લક્ષ્મણરાવ કિર્લોસ્કરે ભારતીય પરિસ્થિતિને અનુરૂપ મશીનરી બનાવવાનો સંકલ્પ લીધો હતો. તેમણે ખેડૂતો માટે લોખંડનો મજબૂત અને સસ્તો સ્વદેશી હળ વિકસાવીને આયાતી સાધનો પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કર્યો. બાળાસાહેબ પંતે તેમને સહયોગ આપીને તેમના રાજ્યમાં ફેક્ટરીઓ સ્થાપવાની સગવડ કરી આપી. પમ્પ, એન્જિન તથા કૃષિ યંત્રોના ઉત્પાદન દ્વારા કિર્લોસ્કર ઉદ્યોગો ભારતીય આત્મનિર્ભરતા અને સ્વદેશી વિચારધારાનો મજબૂત પાયો બન્યા. આગળ જતાં કિર્લોસ્કર ઉદ્યોગોએ કિર્લોસ્કરવાડી નામે એક પૂર્ણ ઔદ્યોગિક વસાહત ઊભી કરી. અહીં ફેક્ટરીઓ સાથે કામદારો માટે રહેઠાણ, શાળા, આરોગ્ય સુવિધાઓ અને સામાજિક માળખું વિકસાવાયું, જે તે સમય માટે અત્યંત આધુનિક વિચાર હતો. 

2. ગ્લાસ ફેક્ટરીને પ્રોત્સાહન આપ્યું

બાળાસાહેબ પંત સ્વદેશી અને આત્મનિર્ભર અર્થવ્યવસ્થાના દ્રઢ સમર્થક હતા તેથી તેમણે ગ્લાસ ફેક્ટરી જેવી સ્થાનિક ઔદ્યોગિક પહેલોને સક્રિય રીતે પ્રોત્સાહન આપ્યું. તેમના સહયોગથી કિર્લોસ્કરવાડી વિસ્તારમાં ભારતીય ઉદ્યોગકારોએ ગ્લાસ વર્ક્સ ફેક્ટરી સ્થાપી, જેના કારણે આયાતી કાચ પરની નિર્ભરતા ઘટી અને સ્થાનિક કાચ ઉદ્યોગને વેગ મળ્યો. આ ફેક્ટરીઓએ રોજગાર સર્જન તો કર્યું જ, સાથોસાથ દેશી તકનીક, કૌશલ્ય અને ઔદ્યોગિક આત્મવિશ્વાસ વિકસાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

3. ભારતના પહેલા ગ્લાઇડર એસોસિએશનની સ્થાપના કરી

1930ના દાયકામાં ઔંધ રાજ્યમાં ભારતનું પહેલું ગ્લાઇડર એસોસિએશન શરૂ થયું હતું, જે તે સમયના ભારત માટે અત્યંત નવીન અને સાહસિક પહેલ હતી. બાળાસાહેબ આધુનિક વિજ્ઞાન અને તકનીકી વિકાસના સમર્થક હતા તેથી તેમણે યુવાનોમાં ઉડાન વિજ્ઞાન અને શારીરિક સાહસ પ્રત્યે રસ ઊભો કરવાના હેતુથી આ સંસ્થા સ્થાપી હતી. આ એસોસિએશન હેઠળ ગ્લાઇડરો (મોટર વગરના વિમાનો) દ્વારા તાલીમ અપાતી હતી, જેમાં પહેલા ગ્લાઇડરોનું દાન ખુદ બાળાસાહેબે કર્યું હતું. આ સંસ્થાની સ્થાપના એ વાતની સાબિતી છે કે ઔંધ રાજ્ય માત્ર સાંસ્કૃતિક નહીં, પરંતુ વૈજ્ઞાનિક અને ટેક્નોલોજી ક્ષેત્રે પણ પ્રગતિશીલ હતું. 

4. ‘સૂર્ય નમસ્કાર’ને લોકપ્રિય બનાવ્યા 

1930ના દાયકામાં બાળાસાહેબે સૂર્ય નમસ્કારને વૈશ્વિક ઓળખ આપી. તેમણે આ વિષય પર પુસ્તક લખ્યું, જે યુરોપમાં પણ પ્રસિદ્ધ થયું. લંડનના અખબારોએ તેમને ‘એવો રાજા જે યુવાનીનું રહસ્ય જાણે છે’ તરીકે વર્ણવ્યા. બાળાસાહેબની તંદુરસ્તી, ચપળતા અને તેમના તેજસ્વી વ્યક્તિત્વે પશ્ચિમ જગતને પણ આશ્ચર્યમાં મૂકી દીધું હતું.

5. મહાકાવ્યોના સંસ્કરણો તૈયાર કરાવ્યાં

ભારતીય મહાકાવ્યોને લોકપ્રિય બનાવવામાં પણ બાળાસાહેબે મોટું યોગદાન આપ્યું. તેમણે રામાયણ અને મહાભારતના સચિત્ર સંસ્કરણો માટે નાણાંકીય સહાય આપી હતી. બ્રિટનના Illustrated London Newsએ આ ગ્રંથોને પશ્ચિમ માટે ભારતની સંસ્કૃતિનો ઉત્તમ પરિચય ગણાવ્યો હતો.

6. મ્યુઝિયમની સ્થાપના કરી 

1938માં બાળાસાહેબે શ્રી ભવાની મ્યુઝિયમ સ્થાપ્યું, જે ભારતીય અને પશ્ચિમી કળાનો સંગમ હતો. મ્યુઝિયમમાં હેનરી મૂર જેવા કળાકારોની કૃતિઓનું સંકલન હતું, જે એ સમય માટે અસામાન્ય હતું.

મહારાષ્ટ્રનું નાનકડું રજવાડું ઔંધ ભારતમાં ભળી ગયું   

1947માં ઔંધ આઝાદ ભારતમાં જોડાઈ ગયું. 1951માં બાળાસાહેબનું અવસાન થયું, પરંતુ તેમનો વિચાર જીવંત રહ્યો. તેમના પુત્ર અપ્પાસાહેબ પંતે તેમના પિતા વિશે લખ્યું હતું કે, ‘સત્તાનો ત્યાગ કરીને રાજા પ્રજાનો પ્રથમ સેવક બન્યો. એમના રાજમાં ડર નહોતો, લાલચ નહોતી. એમના રાજમાં લોકશાહી ખરેખર કામ કરતી હતી.’



Source link

Related Articles

Back to top button