બદલાશે વિશ્વના સમીકરણ! સાઉદી અરેબિયાની આ એક જાહેરાતથી ચીનની ઊંઘ હરામ, ટ્રમ્પ પણ ટેન્શનમાં | Saudi Arabia’s 110B Mineral Pivot: Challenging China’s Dominance and Trump’s Greenland Strategy

![]()
Saudi Arabia Mining Investment : વિશ્વના રાજકીય અને આર્થિક સમીકરણોમાં અત્યારે મોટો ઉથલપાથલ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ ‘રેર અર્થ મિનરલ્સ’ માટે ગ્રીનલેન્ડ સાથે ઐતિહાસિક વેપાર કરાર કરીને ચીનના એકતરફા શાસનને પડકારવાની તૈયારી કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ સાઉદી અરેબિયાએ ખનિજ ક્ષેત્રે એવી મોટી જાહેરાત કરી છે, જેનાથી ચીનની ઊંઘ હરામ થવાની સાથે ટ્રમ્પના ટેન્શનમાં પણ વધારો થયો છે. તેલના કુવાઓ પર નિર્ભર રહેતા સાઉદી અરેબિયાએ હવે ‘રેર અર્થ મિનરલ્સ’ના ઉત્પાદનમાં વૈશ્વિક લીડર બનવાની ઝડપી તૈયારી શરૂ કરી દીધી છે.
સાઉદીની માડેન કંપનીનું 110 અબજ ડોલરનું રોકાણ
તાજેતરમાં યોજાયેલા ફ્યુચર મિનરલ્સ ફોરમમાં સાઉદી અરેબિયાની સરકારી માઈનિંગ કંપની માડેન (Maaden)એ આગામી 10 વર્ષમાં ખનિજ ક્ષેત્રે 110 અબજ ડોલરના જંગી રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણનો મુખ્ય ઉદ્દેશ્ય સોનું, ફોસ્ફેટ અને એલ્યુમિનિયમના ઉત્પાદનને બમણું-ત્રણગણું કરવાનો છે. સાઉદીનું આ પગલું ચીન માટે સૌથી મોટો ફટકો માનવામાં આવે છે, કારણ કે અત્યારે વિશ્વના 90 ટકા રેર અર્થ મિનરલ્સ પર ચીનનું નિયંત્રણ છે.
આ પણ વાંચો : ભારતમાં લક્ઝુરિયસ કારોના ભાવમાં 50 ટકાનો ઘટાડો થવાના અણસાર, જાણો કારણ
સાઉદીએ ખનિલ સંશોધનનું બજેટ ધરખમ વધાર્યું
ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) સત્તામાં આવ્યા બાદ સતત ચીનને પછાડવા માટે નવા વિકલ્પો શોધી રહ્યા છે. ગ્રીનલેન્ડ સાથે રેર અર્થ મિનરલ્સ માટે સંભવિત ડીલ પાછળ પણ ટ્રમ્પનો હેતુ આ જ છે.
ચીનના વધતા દબાણ સામે અમેરિકાએ હવે સાઉદી અરેબિયા સાથે હાથ મિલાવ્યા છે. અમેરિકી સંરક્ષણ વિભાગ અને કંપનીઓ સાઉદીમાં જ નવી રિફાઇનરી સ્થાપવા માટે કામ કરી રહી છે. સાઉદી અરેબિયાએ 2021થી 2025ના ગાળામાં ખનિજ સંશોધન પાછળના બજેટમાં 595 ટકાનો ધરખમ વધારો કર્યો છે.
…તો ચીનનું કપાશે પત્તું
નિષ્ણાતો માને છે કે, ખનિજ ક્ષેત્રે ચીનને ટક્કર આપવી સરળ નથી, કારણ કે માઈનિંગ પ્લાન્ટ કાર્યરત થતા પાંચથી 20 વર્ષનો સમય લાગે છે. પરંતુ સાઉદી અરેબિયા પાસે રહેલી સસ્તી અને વિપુલ ઊર્જા અને અરામકો જેવી કંપનીઓનો અનુભવ તેને આમાં નવો ‘કિંગ’ બનાવી શકે છે. સાઉદીની આ વ્યૂહરચના આવનારા સમયમાં રેર અર્થ મિનરલ્સની ગ્લોબલ સપ્લાય ચેઈનમાંથી ચીનનું પત્તું કાપી શકે છે.



