ભૂકંપના 25 વર્ષ: અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલમાં 30 માસૂમોએ ગુમાવ્યો હતો જીવ, જાણો પરિવારની કરુણ વેદના | 25 Years of Gujarat Earthquake: 30 Children Lost Lives at Ahmedabad Swaminarayan School

![]()
25 Years of Gujarat Earthquake: 25 વર્ષ પહેલાં 26મી જાન્યુઆરી 2001ના રોજ આવેલા વિનાશકારી ભૂકંપની યાદો આજે પણ અનેક પરિવારોના હૃદયમાં તાજી છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલનું બિલ્ડિંગ ધરાશાયી થતા 30 માસૂમ વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોના પરિવારો આજે પણ તે કરુણ ક્ષણોને યાદ કરી ધ્રૂજી ઉઠે છે.
ભાઈનું અધૂરું સપનું બહેન પૂરું કરી રહી છે
ત્યારે ઈસનપુરમાં રહેતા લીલાબહેન પરમારનો દીકરો મેહુલ ઘોડાસરની સ્વામિનારાયણ સ્કૂલમાં ગયો હતો અને સ્કૂલનો ભાગ ધરાશાયી થતા તેમાં મૃત્યુ પામ્યો હતો.
આ વિશે મેહુલના માતા લીલાબહેન પરમારે કહ્યું કે, ‘મારા પતિ મીલમાં નોકરી કરતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. ઘણી મુશ્કેલી વેઠીને દીકરાને અભ્યાસ કરાવતા હતા. 2001માં આવેલા વિનાશકારી ધરતીકંપમાં દીકરાનું મૃત્યુ થયું હતું. દીકરાને ડોક્ટર બનવું હતું. દીકરા પછી મારી બે દીકરી હતી. દીકરાના અવસાનના પાંચ મહિના પછી મારા પતિનું અવસાન થયું હતું. બંનેના અવસાનથી અમારા પરિવાર પર આભફાટી પડયું હોય તેવી સ્થિતિ સર્જાય હતી. દીકરાના અવસાન પછી નાની દીકરી ઈશિતાએ ડૉક્ટર બનીને ભાઈનું સ્વપ્ર પૂરું કરવાનું નક્કી કર્યું હતું. અથાગ મહેનત અને વિકટ સ્થિતિમાં ધોરણ 12માં સાયન્સમાં સારા માર્ડ્સ મેળવ્યા હતા. હાલ તે ચાંદખેડામાં આવેલી એમ.કે. શાહ કોલેજમાં એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે.’
દીકરીની સ્મૃતિમાં વાંચન ખંડ બન્યો સેવાનું કેન્દ્ર
જશોદાનગરના પ્રવીણભાઈ બાલાસની તેજસ્વી દીકરી પ્રિયંકા પણ આ દુર્ઘટનાનો ભોગ બની હતી. 10માં ધોરણમાં 80% લાવનારી પ્રિયંકા ડોક્ટર બનવા માંગતી હતી. જે દિવસે ભૂકંપ આવ્યો, તે જ દિવસે પ્રિયંકા માટે બનાવેલા નવા વાંચન ખંડનું ઉદ્ઘાટન હતું. પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું.
આજે પ્રવીણભાઈએ એ રૂમને ‘સ્મૃતિ ખંડ’ નામ આપ્યું છે. આ રૂમ ભાડે આપીને જે રકમ આવે છે, તેનો ઉપયોગ ગરીબ બાળકોના શિક્ષણ માટે કરવામાં આવે છે. દર વર્ષે 26મી જાન્યુઆરીએ આ પરિવાર બાળકોને જમાડીને પોતાની દીકરીની યાદને જીવંત રાખે છે.
ભૂકંપની એ ભયાનક સવાર
વર્ષ 2001નો એ ભૂકંપ માત્ર ઈમારતો જ નહીં, પણ અનેક આશાઓ પણ તોડી ગયો હતો. ઘોડાસરની સ્વામિનારાયણ સ્કૂલના પરિસરમાં મુકાયેલી એ તક્તી આજે પણ તે માસૂમ આત્માઓની યાદ અપાવે છે જેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની મિનિટો પહેલા જ આ દુનિયા છોડી દીધી હતી.


