દસાડાના વાલેવડા ગામે પોલીસ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણ : પી.આઇ.એ રિવોલ્વર કાઢી | Clashes between police and villagers in Valevda village of Dasada: PI pulls out revolver

![]()
– પી.આઇ.ની બદલી કરાવવા ભાજપ-કોંગ્રેસના ધમપછાડા
– દારૂડિયાને પોલીસ મથકે લઈ જતી વખતે ટોળુ ભેગુ થયું : પથ્થરમારાનો પ્રયાસ કરતાં રિવોલ્વર PI કાઢી ટોળાને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો (અંગ્રેજીમાં)
પાટડી : દસાડા તાલુકાના વાલેવડા ગામે શુક્રવારે મોડી રાત્રે દેશી દારૂ અંગે રેઇડ કરવા ગયેલ પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મામલે દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ખુદ પોલીસ કર્મચારીએ જ ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય અને ગ્રામજનો દ્વારા સ્થાનિક પી.આઈ. દ્વારા યુવકો અને ગ્રામજનોને રિવોલ્વર બતાવી ધમકી આપ્યાનો અને અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા માર માર્યાનો આક્ષેપ પણ કર્યો છે.
દસાડાના વાલેવડા ગામે દારૂ અંગે દસાડા પોલીસને ટેલિફોનીક જાણ કરતા પોલીસ ટીમ વાલેવડા ખાતે પહોંચી હતી. તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો ન હતો પરંતુ લક્ષ્મણભાઈ ભીમસંગભાઈ પટેલ અને બુદાભાઈ પુંજાભાઈ પટેલ દારૂ પીધેલી હાલતમાં જણાઇ આવતા બંને શખ્સોને સરકારી વાહનમાં બેસાડી પોલીસ મથકે લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન ટોળું એકઠુ થયું હતુ અને ગામમાં એક મહિલા બુટલેગર દારૂનું વેચાણ કરતી હોવાનું જણાવતા પી.આઇ. પોતાની સાથે મહિલા પોલીસ નહીં હોવાથી ગામની મહિલાઓને સાથે આવવાનું જણાવતા ગામની આઠથી દસ મહિલાઓ બુટલેગરના ઘરે પહોંચી હતી.
જોકે, મહિલા બુટલેગરના ઘરેથી દારૂનો જથ્થો નહીં મળી આવતા પોલીસે બહાર નીકળતા મહિલાઓએ બુટલેગર સામે કાર્યવાહી કરવાનું કહેતા પોલીસે વગર પુરાવાએ કાર્યવાહી કરવાની ના પાડતા મહિલાઓ વિફરી હતી અને તમે બુટેલગરોને પહેલાથી બાતમી આપી દેતા હોવાનો આક્ષેપ કરી ઘર્ષણ કર્યું હતું. આ તકનો લાભ લઇ ગામમાં જ રહેતા શખ્સ ગણપતભાઈ ચંદુભાઈ ઠાકોરએ પોલીસની કારમાં બેઠેલા બંને શખ્સોને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે બંને શખ્સને ઝડપી પાડ્યા હતા.
બીજી બાજુ આ મામલે ગ્રામજનો અને પોલીસ વચ્ચે રક્ઝક પણ થઈ હતી. ટોળામાંથી એક શખ્સ દ્વારા પથ્થરમારાનો પ્રયાસ કરતાં દસાડા પી.આઈ. વાય.જી.ઉપાધ્યાય દ્વારા રિવોલ્વર કાઢી ટોળાને કાબુમા લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સામા પક્ષે ગામના યુવકો દ્વારા દસાડા પોલીસને બૂટલેગરો અંગે માહિતી આપતા પોલીસે સ્થળ પર પહોંચી માહિતી આપનાર યુવકો અને વૃદ્ધ મહિલાઓને મારમાર્યાનો પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો અને દોષિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની ગ્રામજનો સહિત પૂર્વ ધારાસભ્યએ માંગ કરી હતી.
ઘર્ષણ દરમિયાન બે મહિલાઓને ઇજાઓ પહોંચતા તેને બહુચરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસ કર્મચારીએ દસાડા પોલીસ મથકે ગણપતભાઈ ચંદુભાઈ ઠાકોર સામે ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાવી છે. ઘટનાને લઇ કોંગ્રેસે પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધાવી ભોગ બનનાર લોકોને પોલીસ ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી હતી.
પોલીસની કામગીરીએ રાજકીય રંગ પકડયો
બીજી તરફ વેલાવડા ગામ નજીક ફાર્મ હાઉસમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપ પટેલ, તેમજ અન્ય રાજકીય આગેવાનો એકત્રિત થઇ ભોગ બનનાર સાથે બેઠક યોજી અને પીઆઇની બદલી થાય તે માટેનો તખતો ઘડવાની તૈયારી શરૂ કરી હતી. આ મામલે કોંગ્રેસ પણ ભાજપ સાથે હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ ફાર્મહાઉસ પર ૩૧મી ડિસેમ્બરે પી.આઇ.એ દરોડો પાડી દારૂ પીતા ચારથી પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. જેની દાઝ રાખી પી.આઇ.ની બદલી કરવાની તૈયારી ચાલી રહી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
રિવોલ્વર કાઢી ન હોત તો પથ્થરમારો થયો હોતઃ પી.આઇ.
આ મામલે દસાડા પી.આઈ. વાય.જી.ઉપાધ્યાયએ જણાવ્યું કે આરોપીઓને પોલીસવાનમાં બેસાડી પોલીસ મથકે લઇ જતી વખતે એક શખ્સે આરોપીઓને ભગાડી દેવાનો પ્રયાસ કરવા મુદ્દે ઘર્ષણ સર્જાયું હતું. ગામજનો એકત્રિત થઈ અને પોલીસનો ઘેરાવ કર્યો હતો. પરિસ્થિતને કાબૂમાં લેવા રિવોલ્વોર કાઢી હવામાં રાખી હતી. જો રિવોલ્વર કાઢી ન હોત તો પોલીસ ઉપર પથ્થર મારો થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.



