ધોળકાના કૌકા ગામે લગ્ન પ્રસંગમાં 38 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ | More than 38 people suffer food poisoning at a wedding in Dholka’s Kauka village

![]()
– દર્દીઓની સંખ્યા વધતા હાઈસ્કૂલને હોસ્પિટલમાં ફેરવવી પડી
– મીઠાઈ ખાધા બાદ મહેમાનોને ઉબકા અને ઉલટી થવા લાગી હતી : 5 દર્દીને ધોળકા રિફર કરાયા
બગોદરા : ધોળકાના કૌકા ગામે વ્હોરા મુસ્લિમ સમાજના એક લગ્ન પ્રસંગમાં મીઠાઇ ખાધા બાદ ૩૮થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. દર્દીઓની સંખ્યા વધતા ગામની હાઈસ્કૂલમાં કામચલાઉ હોસ્પિટલ ઉભી કરવી પડી હતી. હાલ તમામ દર્દીઓની તબિયત સ્થિર છે.
કૌકા ગામે વ્હોરા મુસ્લિમ સમાજના લગ્ન પ્રસંગમાં સામસામે મીઠાની રસમ ચાલી રહી હતી. મીઠાઈ ખાધા બાદ મહેમાનોને ઉબકા અને ઉલટી થવા લાગી હતી. જોતજોતામાં બીમાર લોકોનો આંકડો વધવા લાગ્યો.
ઘટનાની ગંભીરતા જોતા ધોળકા, વટામણની પાંચ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. દર્દીઓની સંખ્યા વધુ હોવાથી ગામની નૂર હાઈસ્કૂલ ખાતે જ કામચલાઉ હોસ્પિટલ ઊભી કરી સારવાર શરૂ કરાઈ હતી. આરોગ્ય વિભાગે કુલ ૯૦ લોકોની તપાસ કરી હતી, જેમાંથી ૩૮ લોકોને સારવાર આપવામાં આવી હતી.
વધુ અસરગ્રસ્ત ૫ દર્દીઓને તાત્કાલિક ધોળકા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જેમને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્ય સામગ્રીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ તમામ દર્દીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.



