પ્રમુખ ટ્રમ્પની કેનેડા પર 100 ટકા ટેરિફ નાંખવાની ધમકી | President Trump threatens to impose 100 percent tariffs on Canada

![]()
– ચીન સાથે નવા વેપાર સોદા મુદ્દે ટ્રમ્પ ભડક્યા
– ચીન પહેલા જ વર્ષમાં કેનેડાને ગળી જશે, ગોલ્ડન ડોમનો વિરોધ ‘ગવર્નર’ કાર્નીને ભારે પડશે : ટ્રમ્પ
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેનો વિખવાદ હવે નવી ઊંચાઈએ પહોંચ્યો છે. પ્રમુખ ટ્રમ્પના વિરોધ વચ્ચે કેનેડા ચીન સાથે નવો વેપાર કરાર કરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે ટ્રમ્પે કેનેડા ચીન સાથે આ વેપાર કરાર કરશે તો તેના પર ૧૦૦ ટકા ટેરિફ નાંખવાની શનિવારે ધમકી આપી હતી. એટલું જ નહીં ટ્રમ્પે ફરી એક વખત કેનેડાના વડાપ્રધાન કાર્નીને અમેરિકાના ‘ગવર્નર’ કહીને સંબોધન કર્યું હતું.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગયા વર્ષે બીજા કાર્યકાળ માટે સત્તા પર આવ્યા ત્યારથી જ કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય અને કેનેડાના વડાપ્રધાનને ‘ગવર્નર’ કહીને સંબોધન કરે છે. એ જ રીતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, ‘ગવર્નર માર્ક કાર્નીને લાગે છે કે તેઓ કેનેડાને ચીન માટે ‘ડ્રોપ ઓફ પોર્ટ’ બનાવી દેશે, જ્યાંથી ચીન અમેરિકામાં સામાન અને ઉત્પાદનો મોકલશે તો તેઓ ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છે. કેનેડા ચીન સાથે નવો વેપાર કરાર કરશે તો અમેરિકામાં આવતા બધા જ કેનેડિયન સામાન અને ઉત્પાદનો પર તાત્કાલિક અસરથી ૧૦૦ ટકા ટેરિફ નાંખવામાં આવશે.’ ટ્રમ્પે વધુમાં લખ્યું કે, કેનેડા ગ્રીનલેન્ડ પર અમેરિકા દ્વારા ગોલ્ડન ડોમના નિર્માણનો વિરોધ કરી રહ્યું છે જ્યારે ગોલ્ડન ડોમ કેનેડાની સુરક્ષા કરશે. તેના બદલે તેમણે ચીન સાથે વેપાર કરવાનું પસંદ કર્યું છે, જે પહેલા જ વર્ષમાં તેને ‘ગળી જશે’.



