અમેરિકામાં ભારતીય પરિવારમાં ખુની ખેલ પતિએ પત્ની અને ત્રણ સગાની હત્યા કરી | Murderous act in Indian family in America: Husband kills wife and other relatives

![]()
– પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડા બાદ હત્યાકાંડ
– ઘટના સમયે બે બાળકોએ છૂપાઇને જીવ બચાવ્યો જ્યારે હત્યારાના 12 વર્ષના પુત્રએ 911 પર ફોન કરી પોલીસ બોલાવી
– ઘટના સ્થળેથી થોડે દૂરથી હત્યારો વિજય કુમાર ઝડપાયો
એટલાન્ટા : અમેરિકામાં રહેતા ભારતીય મૂળના વિજય કુમારે પોતાની પત્ની અને અન્ય ત્રણ સંબંધીની હત્યા કરી નાખી હતી. પરિવારના વિવાદોમાં આ હત્યા થઇ હોવાનું હાલમાં સામે આવ્યું છે. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયાના લોરેન્સવીલે શહેરમાં સામે આવી હતી. પોલીસે હાલ આરોપી વિજય કુમારને કસ્ટડીમાં લઇને વધુ પૂછપરછ શરૂ કરી છે. આ સમગ્ર હત્યાકાંડ સમયે બાળકો ઘરે હતા જેમણે પોતાને છૂપાવીને જીવ બચાવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ વિજય કુમાર અને તેની પત્ની મીમુ ડોગરા વચ્ચે તેમના એટલાન્ટા સ્થિત ઘરે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં તેઓ પરિવારના અન્ય સભ્યોના બૂ્રક એલવી કોર્ટ સ્થિત ઘરે પહોંચ્યા હતા, તે સમયે પોતાનો ૧૨ વર્ષનો બાળક પણ સાથે હતો. આ સંબંધીઓના નામ ગૌરવ કુમાર, નીધી ચંદર હરીષ ચંદર છે. ઘટના સમયે સાત અને આઠ વર્ષના અન્ય બે બાળકો પણ ઘરે હતા. વિજય કુમારે સંબંધીઓના ઘરે પોતાની પત્ની મીમુ ડોગરા, ગૌરવ કુમાર, નીધી અને હરીષની હત્યા કરી નાખી હતી. જ્યારે સંબંધીઓના બે બાળકો કબાટમાં થુપાઇ ગયા હતા, જ્યારે હત્યારા વિજય કુમારના બાળકે હિમ્મત રાખી અને ઇમર્જન્સી નંબર ૯૧૧ પર ફોન કર્યો હતો. બાળકે સમગ્ર ઘટનાની જાણકારી આપતા તાત્કાલીક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ સમગ્ર હત્યાકાંડમાં ચાર લોકો માર્યા ગયા છે જ્યારે બાળકોને કોઇ ઇજા નથી પહોંચી. ચારેય મૃતકોના શરીર પર ગોળીઓ વાગ્યાના નિશાન મળી આવ્યા હતા. તમામ મૃતકો અને હત્યારો ભારતીય મૂળના છે. હત્યારો વિજય કુમાર હત્યાકાંડ બાદ ઘરેથી જતો રહ્યો હતો, જોકે તેને થોડે દૂરથી પકડી લેવાયો હતો. પોલીસે હાલ તેની સામે ચાર લોકોની હત્યાનો અને બાળકો સાથે ક્રૂરતા કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



