ભારત સર્વાઈકલ કેન્સરની પણ રાજધાની, દર સાત મિનિટે એક મહિલાનું મોત થાય છે | india is capital of cervical cancer says dr priya abraham

![]()
વડોદરાઃ ભારત માત્ર ડાયાબીટિસ જ નહીં પણ સર્વાઈકલ કેન્સર( સ્ત્રીના ગર્ભાશયના નીચેના હિસ્સામાં થતું કેન્સર)ની પણ રાજધાની છે અને દર સાત મિનિટે એક ભારતીય મહિલા તેના કારણે જીવ ગુમાવે છે તેમ નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીના પૂર્વ ડાયરેકટર ડો.પ્રિયા અબ્રાહમે કહ્યું હતું.
એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રો.વી વી મોદી લેકચર સિરિઝના ભાગરુપે ડો.અબ્રાહમનું આ લેકચર યોજાયું હતું.ડો.પ્રિયા અબ્રાહમ કોરોનાકાળમાં ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીના ડાયરેકટર હતા અને તેમની ટીમે ભારતમાં સૌથી પહેલા કોરોના વાયરસને અલગ તારવ્યો હતો.ઉપરાંત કોરોના ટેસ્ટિંગનો સમય પણ ઘટાડીને ચાર કલાકનો કર્યો હતો.
ડો.અબ્રાહમે જણાવ્યું હતું કે, સર્વાઈકલ કેન્સર માટે એચપીવી વાયરસ જવાબદાર છે.મહિલાઓમાં જે કેન્સર સૌથી વધારે જોવા મળે છે તેમાં સર્વાઈકલ કેન્સર ચોથા ક્રમે છે.વિશ્વમાં તેના કારણે દર વર્ષે ૬.૬ લાખ કેન્સરના નવા કેસ નોંધાય છે અને ૩.૫૦ લાખ મહિલાઓ મોતને ભેટે છે.ભારતમાં તેના કારણે મહિલાઓ મોટી સંખ્યામાં મૃત્યુ પામે છે તે એક કડવી વાસ્તવિકતા છે.
તેમણે કહ્યું હતું કે,વૈશ્વિક સ્તરે ૨૦૩૦ સુધીમાં સર્વાઈકલ કેન્સરને ખતમ કરવાનું લક્ષ્ય છે.જેમાં ૯૦ ટકા છોકરીઓને ૧૫ વર્ષની વય પહેલા જ તેની રસી આપવાનું, ૭૦ ટકા મહિલાઓના સ્ક્રિનિંગનું અને જેમને કેન્સર થયું છે તે પૈકીની ૯૦ ટકા મહિલાઓની સારવારની યોજના છે.સર્વાઈકલ કેન્સર એચવીપી વાયરસના લીધે થાય છે.
કેન્સર માટે જવાબદાર વાયરસનો હવે સંખ્યાબંધ રીતે ટેસ્ટ કરી શકાય છે
તેમણે આ વાયરસ કેવી રીતે મહિલાઓના શરીરમાં પ્રવેશે છે અને કઈ રીતે ફેલાય છે તેની જાણકારી આપતુ પ્રેઝન્ટેશન રજૂ કરવાની સાથે સાથે કહ્યું હતું કે, એચવીપી વાયરસનો ટેસ્ટ કરવા માટે હવે માર્કેટમાં ૨૦૦ કરતા વધારે પ્રકારની પધ્ધતિઓ ઉપલબ્ધ છે.ભારતમાં મહિલાઓને એક મોટો વર્ગ એવો છે જેમની પાસે તબીબી સારવાર ઉપલબ્ધ નથી.આ મહિલાઓને સર્વાઈકલ કેન્સરનું જોખમ વધારે છે.તેમના સુધી એચવીપી વાયરસના ટેસ્ટિંગની સુવિધા પહોંચાડવી જરુરી છે.ટેસ્ટના કારણે વાયરસ કેટલા પ્રમાણમાં શરીરમાં ફેલાયો છે તે જાણી શકાય છે.સ્ટેજ -૩ સુધી વાયરસને આગળ વધતો અટકાવવો પણ શક્ય છે.



