પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી ? | Why was January 26th chosen for Republic Day

![]()
નવી દિલ્હી,24 જાન્યુઆરી,2025,શનિવાર
૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ સ્વતંત્ર ભારતના બંધારણનો અમલ થયો હોવાથી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવાય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ૨૬ મી જાન્યુઆરી ભારતની આઝાદીની લડાઇમાં પુર્ણ આઝાદી કે પુર્ણ સ્વરાજ દિવસ તરીકે પણ પ્રખ્યાત થયો હતો. અંગ્રેજોની ગુલામીની બેડીઓમાંથી દેશને આઝાદી અપાવવા માટે અનેક સ્વતંત્રસેનાનીઓ લડત ચલાવી રહયા હતા. દેશમાં ગાંધીજીનું નેતૃત્વ અને ક્રાંતિક્રારીઓના પ્રયાસો છતાં બ્રિટીશરો મચક આપતા ન હતા.આવી પરિસ્થિતિમાં ૧૯૩૦માં લાહોર અધિવેશનમાં પુર્ણ સ્વરાજનો નારો ગુંજયો હતો. જેમાં અંગ્રેજોની અડધી પડધી આઝાદીની વાતોથી ભરમાયા વિના પુર્ણ સ્વરાજ મેળવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
એટલું જ નહી લાહોર અધિવેશનમાં પહેલીવાર દેશનો તિરંગો ફરકાવીને સ્વતંત્રસેનાનીઓએ ૨૬ મી જાન્યુઆરીને પુર્ણ સ્વરાજ દિવસ તરીકે મનાવવાની હાકલ પણ કરી હતી. ઇસ ૧૯૪૭માં ૧૫ મી ઓગસ્ટના રોજ દેશને આઝાદી મળી પરંતુ દેશ પાસે પોતાનું બંધારણ ન હતું. આથી ગાંધીજીની ઇચ્છા મુજબ બી આર આંબેડકરના નેતૃત્વમાં દેશનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. દેશના આ સંવિધાનને બંધારણ કમિટીએ ૨૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ અમલ માટે રજુ કર્યુ હતું. ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બધા જ સાંસદો અને વિધાયકોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યાર બાદ ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ દેશમાં લાગુ પાડવામાં આવ્યું હતું. ડો રાજેન્દ્રપ્રસાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. આમ ૧૯૩૦માં લાહોર અધિવેશનમાં પુર્ણ સ્વરાજ જાહેર કરવામાં આવેલો દિવસ ૨૬ મી જાન્યુઆરી પછીથી દેશનો પ્રજાસત્તાક દિવસ પણ બન્યો હતો.


