જામનગરમાં બનેવીની હત્યા કરનાર સાળા સહિત બેના રિમાન્ડ મંજૂર, ‘ઉંમરના તફાવત’માં ખેલાયો ખૂની ખેલ | Jamnagar Case Update: Age Gap Conflict Turns Violent Two Accused Sent to Police Custody

![]()
Jamnagar Crime News: જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં થયેલી ચકચારી હત્યાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મૃતકનો સાળો અને તેના સાથીદારની ધરપકડ કરી લીધી હતી. આજે (24મી જાન્યુઆરી) કોર્ટે બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પ્રેમી-પ્રેમિકા વચ્ચેની ઉંમરનો મોટો તફાવત જ આ હત્યાનું મુખ્ય કારણ હતું.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, વસંત પંચમીના પવિત્ર દિવસે (23મી જાન્યુઆરી) શહેરના આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા 40 વર્ષીય નિલય કુંડલિયા પર જીવલેણ હુમલો થયો હતો. મૃતક નિલયે પ્રેમલગ્ન કર્યા હોવાથી તેનો સાળો મનીષ મોરી રોષે ભરાયેલો હતો. મનીષ તેના સાથીદાર સોહિલ સોઢા સાથે બાઈક પર છરીઓ લઈને નિલયના ઘરે ધસી આવ્યો હતો અને નિલય પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક નિલયની ઉંમર 40 વર્ષ હતી, જ્યારે મનીષની બહેનની ઉંમર માત્ર 24 વર્ષ હતી. આ ઉંમર તફાવતને કારણે મનીષ આ સંબંધોથી નારાજ હતો. તે પોતાની બહેનને પરત લેવા માટે નિલયના ઘરે ગયો હતો, જ્યાં બોલાચાલી અને ઝઘડો ઉગ્ર બનતા મનીષે ઉશ્કેરાઈને હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો: બનાસકાંઠા: ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત, રોંગ સાઈડ આવતી ટ્રકે કારને મારી ટક્કર
પોલીસ કાર્યવાહી અને રિમાન્ડ
પોલીસે તપાસના આધારે બંને આરોપીઓને સાતુદડ વિસ્તારમાંથી દબોચી લીધા હતા. આ ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલ બાઈક અને છરી કબજે કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેની સામે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારબાદ સિટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા અને તેમની ટીમે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ આખી ઘટનાનું ‘રી-કન્સ્ટ્રક્શન’ કરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હુમલા દરમિયાન એક આરોપી પણ ઇજાગ્રસ્ત થયો હોવાથી તેને હાલ પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. રિમાન્ડ દરમિયાન પોલીસ આ કેસમાં વધુ પુરાવાઓ એકત્રિત કરશે.



