गुजरात

બોલાદ ગામ નજીક પિકઅપની ટક્કરે બાઈક સવાર દંપતીમાંથી પતિનું મોત | Husband of a couple riding a bike dies after being hit by a pickup truck near Bolad village



– બોરસદ-વાસદ હાઇવે પર અકસ્માત 

– ગંભીર ઈજાગ્રસ્ત પતિને બોરસદ બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડાયા હતા, પિકઅપ ચાલક સામે ગુનો

આણંદ : બોરસદ-વાસદ હાઇવે માર્ગ ઉપર આવેલા બોદાલ ગામ નજીકના એક પેટ્રોલ પંપ પાસે ગુરૂવારે પૂરપાટ ઝડપે જઈ રહેલા પિકઅપ ડાલાએ એક બાઈકને ટક્કર મારતા બાઈક ઉપર સવાર દંપતી રોડ ઉપર પટકાતા પતિનું ગંભીર ઈજાઓ થવાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે પિકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ સુરેન્દ્રનગરના અને હાલ સુરતના કામરેજ ખાતે રહેતા વિશાલ વનરાજભાઈ મેણીયાના પિતા વનરાજભાઈ હીરા ઘસવાની નોકરી કરતા હતા. વનરાજભાઈ અને તેમના પત્ની રંજનબેન ત્રણ દિવસ અગાઉ બાઇક લઈને લગ્ન પ્રસંગમાં ગયા હતા. ગુરૂવારે વનરાજભાઈ અને તેમના પત્ની રંજનબેન સુરેન્દ્રનગરના રોગનસરથી સુરત પરત જવા નીકળ્યા હતા. દરમિયાન તારાપુર થઈ બોરસદ પસાર કરી બોદાલ ગામથી વાસદ તરફના હાઇવે રોડ ઉપર જઈ રહ્યાં હતા, ત્યારે બોદાલ ગામ નજીક આવેલ એક પેટ્રોલ પંપ પાસે એક પિકઅપ ડાલાના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે હંકારી લાવી બાઈકને ટક્કર મારતા બાઈક ઉપર સવાર દંપતી રોડ ઉપર પટકાયું હતું. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ને જાણ કરતાં ૧૦૮ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતમાં રંજનબેનને સામાન્ય ઇજાઓ થઈ હતી, જ્યારે વનરાજભાઈને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતા તેઓને બોરસદ સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાત્રિના સુમારે સારવાર દરમિયાન વનરાજભાઈનું મોત થયું હતું. આ બનાવ અંગે  બોરસદ શહેર પોલીસે પિકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



Source link

Related Articles

Back to top button