જામનગરમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: પ્રેમ પ્રકરણમાં ત્રણ શખસોએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી | Three Persons Attack Youth Over Love Affair Grudge in Jamnagar

![]()
Jamnagar Crime News: જામનગરમાં આજે (23મી જાન્યુઆરી) ધોળા દિવસે હત્યાની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. શહેરના પંચેશ્વર ટાવર નજીક આવેલા વંડાફળી વિસ્તારમાં એક યુવાન પર તેના જ સાળા સહિત ત્રણ શખ્સોએ છરી વડે હિંસક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો છે. પ્રેમ લગ્નનો ખાર રાખીને આ હિચકારું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
એપાર્ટમેન્ટના પાંચમા માળે ખેલાયો ખૂની ખેલ
મળતી વિગતો અનુસાર, જામનગર શહેરના પંચેશ્વર ટાવર પાસેના વંડા ફળીમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા નિલય કુંડલિયા નામના યુવાન પર ત્રણ શખ્સોએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ નિલય પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.આ લોહિયાળ દ્રશ્ય જોઈ નિલયની પત્નીએ પોતાના પતિને બચાવવા આક્રંદ કરી મૂક્યું હતું. પતિને બચાવવાના પ્રયાસમાં પત્ની પણ લોહીલુહાણ થઈ ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા નિલયને તાત્કાલિક 108 મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: વડોદરામાં ચોંકાવનારી ઘટના: 25 વર્ષે પકડાયેલા હત્યાના આરોપીનો પોલીસ સ્ટેશનમાં આપઘાત
પ્રેમ પ્રકરણના કારણે યુવકની હત્યા!
પોલીસની પ્રાથમિક તપાસ અને પરિવારના આક્ષેપો મુજબ, આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે. મૃતક નિલયે થોડા સમય પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન યુવતીના પરિવારને મંજૂર નહોતા, જેના કારણે બંને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલતું હતું. આક્ષેપ છે કે, મૃતકનો સાળો અને તેના અન્ય બે સાગરીતોએ નિલયની હત્યા કરી છે.
આ ઘટનાની જાણ થતા જ સીટી એ. ડિવિઝનના પી.આઈ. સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ કરી દેવામાં આવી છે.



