મહેમદાવાદમાં બંધ મકાનમાંથી રૂ.1.95 લાખના મત્તાની ચોરી | Rs 1 95 lakh worth of liquor stolen from a locked house in Mehmadabad

![]()
જિલ્લાના શહેરી વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ
કોઈ જાણભેદુ ચાવીથી તાળું ખોલી મકાનનો અસલ દસ્તાવેજ સહિત તિજોરી સાફ કરી ગયો
નડિયાદ: મહેમદાવાદ શહેરમાં ધોળા દહાડે મકાનનું તાળું ખોલી કોઇ જાણભેદુ તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના (કિંમત રૂ.૧,૯૫,૦૦૦), મકાનનો અસલ દસ્તાવેજ ચોરી ફરાર થયું હતું. આ બનાવ અંગે ચોરી થયાના બનાવના ૩૬ દિવસ બાદ મકાન માલિકે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહેમદાવાદ શહેરમાં બંધ મહાદેવની સામે ઈકબાલ સ્ટ્રીટ સામે આવેલા મકાનમાં અજીમુદિન પઠાણ એકલા રહે છે. તા.૧૭-૧૨-૨૫ની સવારે ૧૦ વાગ્યે મકાનને તાળું મારી તેઓ બહાર ગામ ગયા હતા અને સાંજે સાડા પાંચ વાગે ઘરે પાછો ફર્યા હતા. ત્યારે તેઓએ છુપાવી રાખેલી ચાવીઓથી તિજોરી ખોલીને જોતા તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી આવી ન હતી. આ તિજોરીમાંથી સોનાના દોરા નંગ ૨, સોનાના પાટલા નંગ બે, સોનાના ઝુમ્મર નંગ ચાર, સોનાની કડી નંગ ચાર, સોનાની બુટ્ટી નંગ બે, સોનાની વીંટી નંગ છ, ચાંદીના છડા નંગ ચાર તેમજ રોકડા રૂ.૨૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૯૫,૦૦૦ ની મત્તા અને મકાનનના અસલ દસ્તાવેજની ચોરી થઈ હતી.
મકાનના દરવાજાનું તાળું તેમજ તિજોરીનું તાળું તોડયા વગર તેમજ ચીજ વસ્તુઓ વેર વિખેર કર્યા વગર અસલ ચાવીથી મકાનનું તાળું તેમજ અસલ ચાવીથી તિજોરીનું તાળું ખોલી ચોરી થયાના બનાવને પગલે તેઓએ ઘરમાં તેમજ અન્ય તપાસ કરાવડાવી હતી. પરંતુ સોનાના દાગીના તેમજ મકાનનો અસલ દસ્તાવેજ મળી આવ્યો ન હતો.જેથી ચોરીની ઘટનાના ૩૬ દિવસ બાદ અજિમુદિન ગુલામ મયુદ્દીન પઠાણે મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



