ભરૂચમાં મહિલા પોલીસકર્મીએ ગળાફાંસો ખાધો, ઘોઘામાં હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું | Female policewoman hanged herself head constable ends life by consuming medicine in Ghogha

![]()
રાજ્યમાં પોલીસકર્મીના આપઘાતના અલગ-અલગ બે બનાવો
આપઘાત વ્હોરી લેનારા બન્ને પોલીસ કર્મચારીઓ મુળ ભાવનગરના વતની હતા
ભાવનગર: રાજ્યમાં પોલીસ કર્મચારીઓના આપઘાતના અલગ-અલગ બે બનાવો સામે આવ્યા છે. જેમાં ભરૂચ પોલીસ હેડક્વાટરમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીએ ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો છે. જ્યારે ભાવનગરના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા પી લેતા આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
રાજ્યમાં પોલીસ કર્મચારીઓના આપઘાતના અલગ-અલગ બે બનાવો સામે આવ્યા છે. જેમાં મુળ ભાવનગરના વતની અને ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે રહેતા પ્રિતીબેન ઉદયસિંહ પરમાર (ઉ.વ.૨૭) પોતાના હેડ કવાર્ટસના રૂમમાં મોડી રાત્રે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું કવાર્ટસમાં રહેતાં પોલીસ કર્મચારીઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આ બનાવને લઇ બી ડિવીઝન પોલીસે ઘટના સ્થળે આવી મહિલા પોલીસ કર્મચારીના મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ માટે સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડી મહિલા પોલીસ કર્મચારીએ કયાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે મહિલા પોલીસ કર્મચારીના આપઘાતનું રહસ્યમય અંકબંધ રહયું છે. જ્યારે અન્ય એક બનાવમાં ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકના ડી સ્ટાફમાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ (ઉ.વ.૩૫, રહે. ચિત્રા, પ્રેસ ક્વાર્ટર, નારેશ્વર સોસાયટી)એ ગત રોજ બપોર બાદના સમયે ભુતેશ્વર ગામ નજીક ઝેરી દવા પી લીધી હતી. જેમને સારવાર માટે ભાવનગર લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આજ રોજ ૪.૩૦ કલાકના અરસામાં તેમનું નિધન થયું હતું. મૃતક પોલીસકર્મી દિગ્વિજયસિંહની માનસિક રોગની સારવાર ચાલી રહી હોવાનું તેમના પિતાએ પોલીસ સમક્ષ જણાવ્યું છે તેમજ આ મામલે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સીટી ડીવાયએસપીએ જણાવ્યું હતું.



