છોટા ઉદેપુર : ડુંગર વિસ્તારોમાં સ્થાનિકોના પાણી માટે વલખાં, યોજના ફક્ત કાગળ પર | Drinking water Crisis in the hilly areas of Naswadi in Chhota Udepur

Water Crisis in Chhota Udepur : છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારોમાં આજે(22 જાન્યુઆરી, 2026) પણ પીવાના પાણીની સમસ્યા યથાવત છે. આઝાદીના દાયકાઓ બાદ પણ અહીંના લોકો પાણી માટે વલખાં મારવા મજબૂર છે. પીવાના પાણી મેળવવાની પરિસ્થિતિ એટલી ગંભીર છે, કે એક પરિવારને માતાના અંતિમ સંસ્કાર માટે પણ પાણી મેળવવા સ્મશાન પાસે ખાડો ખોદવો પડ્યો હતો.

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા વર્ષોથી વણસેલી છે.ઉનાળો હોય કે શિયાળો, અહીંના રહીશો માટે શુદ્ધ પીવાનું પાણી આજે પણ મુશ્કેલીથી મેળવવું પડે છે. ડુંગર વિસ્તારોમાં આવેલા કેટલાક ગામોમાં આજે પણ “નળ સે જળ યોજના” તેમના માટે સ્વપ્ન સમાન જોવાઈ રહી છે. હા કુદરતી જે ખીણ આવેલા છે, તેના પથ્થરો માંથી ટપકતુ પાણી તેમના માટે આશીર્વાદ સમાન છે. પણ ખીણમાં બે બેડા પાણી મેળવવું કેટલું જોખમ છે, તે દ્રશ્ય પરથી ખ્યાલ આવી જશે.
ડુંગરના ઢોળાવો પરથી બેડા લઈને ઉતરતી અને ચડતી મહિલાઓને જુઓ, જરા પણ ચૂક થાય તો ખીણમાં પડવાનો ભય રહે છે. પરંતુ જીવનને ટકાવી રાખવા મહિલાઓને જીવનું જોખમ પણ ખેડૂવું જ પડે છે.

માતાના અંતિમ સંસ્કાર વખતે પાણી માટે વલખાં
નસવાડી તાલુકાના ગનીયાબારી ગામની એક માતાના અવસાન બાદ પુત્રને અંતિમ સંસ્કાર માટે સ્મશાન નજીક ખાડો ખોદી પાણી મેળવવું પડ્યું હતું. આ પાણીથી અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી અને હાજર મહેમાનોને પણ એ જ પાણી પીવડાવવું પડ્યું. મૃતકના પુત્રનું કહેવું છે કે, “મારી માતાના મરણ બાદ મારા ઘરે માતાની અંતિમ ક્રિયા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. પણ મારા ઘરમાં પાણી ન હતું. ખાસ ચિંતાએ હતી કે સ્મશાનમાં માતાની અર્થી મૂકી તેને મોઢામાં પાણી નાખવાનું હોય છે. આવેલા લોકોને પાણી પીવડાવવાનું હોય છે, આ એક આદિવાસીઓની પરંપરા છે. આ પરંપરા નિભાવવા માટે પાણી કયાથી લવાશે? આખરે પરિવારના સભ્યોએ નક્કી કર્યું કે અહીં પોચી જમીનમાં ખાડો ખોદીશું. પરિવારના સભ્યોએ ખાડો ખોદ્યો અને નવાઈની વાત એ છે, કે ખોદેલા ખાડા માંથી પાણી નીકળ્યું. જે પાણી વડે અંતિમ ક્રિયાના કામમાં લેવાયું અને સ્મશાનમાં આવેલા લોકોને પાણી પીવડાવ્યું.”

73 ગામોને શુદ્ધ પાણી પહોચાડવાની યોજના આજે પણ અધૂરી
ગામના સરપંચે જણાવ્યું કે, વિસ્તારમાં 92 કરોડોનો ખર્ચ કરીને કુપ્પા પાણી પુરવઠા બનાવવામાં આવી છે. તે યોજના થકી આજે પણ કેટલાય ગામોમાં પાણી નથી પહોંચ્યું. આ યોજના કુપ્પા ગામ પાસે બનાવવામાં આવી છે. 73 ગામોને શુદ્ધ પાણી પહોચાડવાની આ યોજના છે. યોજના 2022ની સાલથી શરૂ કરવામાં આવી છે. કામ પૂર્ણ કરવા માટે 24 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. પણ આજે પણ આ યોજના અધૂરી છે.

કેટલાય ગામોમાં નથી નળ પહોંચ્યા કે ના પાણી: સરપંચ
73 ગામો પૈકી 40 ગામો સુધી જ પાણી પહોંચ્યું છે. તો કેટલીક જગ્યાએ આજે મોટા સંપ બનાવવામાં આવ્યા છે, જે શોભાના ગાંઠિયા સમાન જોવાઈ રહ્યા છે. જેના દ્વારા પાઇપ લાઇનો નાખીને લોકોના ધર સુધી નળ સે જળ યોજના દ્વારા નળ લગાવી પાણી આપવાનું હતું. પણ કેટલાય ગામોમાં નથી નળ પહોંચ્યા કે ના પાણી. જેથી ગામના લોકો આજે પણ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, પીવાના પાણી માટે કરોડો રૂપિયાની યોજનાઓ મંજૂર થઈ, પરંતુ જમીન પર તેનો કોઈ અસરકારક અમલ થયો નથી. આઝાદીના અનેક વર્ષો વીતી ગયા છતાં ડુંગર વિસ્તારના લોકો આજે પણ મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
નિર્ધારિત સમયમાં યોજના પૂર્ણ ન થતાં સ્થાનિકોને હાલાકી
સ્થાનિક યુવાને કહ્યું કે, “હાલમાંજ પાણી પુરવઠા મંત્રી જિલ્લાની સૌથી મોટી યોજનાનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. પરંતુ યોજના નિર્ધારિત સમય મર્યાદામાં કેમ પૂર્ણ નથી થતી તે દિશામાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી. યોજના પ્રગતિમાં છે તેમ કહી સંતોષ માની રહ્યા છે.”

પ્રશ્ન એ છે, કે જ્યાં અંતિમ સંસ્કાર માટે પણ પાણી મેળવવા ખાડો ખોદવો પડે, ત્યાં વિકાસના દાવાઓ કેટલા સાચા કહી શકાય? હાલ તો યોજના કાગળ પર પ્રગતિમાં છે. ત્યારે પ્રશાસન આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવશે કે પછી ડુંગર વિસ્તારના લોકોનો સંઘર્ષ યથાવત રહેશે? નર્મદા કિનારે વસેલા આ વિસ્તારના લોકો આજે પણ જાણે નદી કિનારે તરસ્યા હોય તેમ લાગી રહ્યું છે.



