VIDEO | છોટા ઉદેપુર: પાવી જેતપુરમાં બેરિકેડ તોડી દારૂ ભરેલી કાર ભગાડનારો બુટલેગર આખરે ઝડપાયો, જુઓ CCTV | Bootlegger Breaks Police Barricade in Pavi Jetpur Accused arrest in Chhota Udepur

Bootlegger Breaks Police Barricade in Pavi Jetpur : છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે પોલીસ અને બુટલેગર વચ્ચે હાઈવે પર ફિલ્મી પીછો જોવા મળ્યો હતો. વન કુટિર પાસે નાકાબંધી કરી ઉભેલી પોલીસના બેરિકેડ તોડીને દારૂ ભરેલી એસયુવી કાર ભગાડનારાને પાવી જેતપુર પોલીસે ઝડપી પાડ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
ગઈકાલે પાવી જેતપુર પોલીસને વિદેશી દારૂની ખેપ અંગે બાતમી મળી હતી, જેના આધારે વન કુટિર પાસે પોલીસ દ્વારા બેરિકેડિંગ કરીને વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ XUV ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બુટલેગરે કાર ઊભી રાખવાને બદલે બેફામ સ્પીડે પોલીસના બેરિકેડ તોડીને કાર હંકારી મૂકી હતી.

પોલીસે હિંમત હાર્યા વગર આ કારનો અંદાજે એક કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસ પાછળ હોવાનું જોઈ બુટલેગર રસ્તામાં કાર મૂકીને અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો. પોલીસે કારની તપાસ કરતા રૂ. 1.71 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
તપાસ અને ધરપકડ
ઘટના બાદ પાવી જેતપુર પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસે કાર નંબરના આધારે તેના માલિકને નિવેદન માટે બોલાવ્યા હતા. માલિકની પૂછપરછમાં ગાડી કોણ ચલાવતું હતું તેની કડી મળી હતી. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ડ્રાઈવર જીગર ભરતભાઈ પરમાર (રહે. તરસાલી, વડોદરા) ને ઝડપી પાડ્યો છે.
હાલ પોલીસ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.



