અમરેલી: રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે રાજુભાઈ પરસાણા અને વાઈસ ચેરમેન પદે પીઠાભાઈ નકુમની વરણી | Rajula APMC Election Rajubhai Parsana Appointed Chairman Pithabhai Nakum Vice Chairman in Amreli

![]()
Rajula APMC Election: અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની વરણીને લઈને ચાલી રહેલી લાંબી રાહનો અંત આવ્યો છે. રાજુલા યાર્ડમાં ફરી એકવાર ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ચેરમેન તરીકે રાજુભાઈ પરસાણા અને વાઈસ ચેરમેન (ઉપપ્રમુખ) તરીકે પીઠાભાઈ નકુમના નામ પર મહોર મારવામાં આવી છે. 15 વર્ષના લાંબા શાસન બાદ નવા હોદ્દેદારોની વરણી થતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બિનહરીફ વરણી બાદ હોદ્દાની સોંપણી
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ રાજુલા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરોની ચૂંટણીમાં તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. ડાયરેક્ટરોની વરણી બિનહરીફ થયા બાદ આજે વિધિવત રીતે ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે રાજુભાઈ પરસાણાને ચેરમેન પદની જવાબદારી સોંપાઈ છે, જ્યારે પીઠાભાઈ નકુમને વાઈસ ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
15 વર્ષ બાદ નવા યુગની શરૂઆત
રાજુલા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 15 વર્ષથી જીગ્નેશ પટેલના નેતૃત્વમાં શાસન ચાલતું હતું. હવે નવા હોદ્દેદારોની વરણી સાથે યાર્ડમાં નવા યુગની શરૂઆત થઈ છે. આ વરણીની જાહેરાત થતા જ યાર્ડ પરિસરમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવી તેમજ ફટાકડા ફોડીને વધાવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી! 3 જિલ્લામાં યલો ઍલર્ટ, ઠંડી પણ વધશે
ખેડૂતોના હિત માટે કામ કરવાની નેમ
નવનિયુક્ત ચેરમેન રાજુભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, પક્ષે જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ આભાર અને આગામી સમયમાં ખેડૂતોના હિતલક્ષી કાર્યો અને યાર્ડના વિકાસને વેગ આપવા માટે સમગ્ર ટીમ સાથે મળીને કામ કરશે.
રાજુલા સહકારી ક્ષેત્રમાં ભાજપના આ વર્ચસ્વને કારણે આગામી સમયમાં સ્થાનિક રાજકારણ પર પણ તેની મોટી અસર જોવા મળી શકે છે.


