दुनिया

પાકિસ્તાને કરી ટ્રમ્પની ‘જી હજુરી’, ગાઝા બોર્ડનું સભ્ય બનીને 9000 કરોડ ચૂકવવા તૈયાર! | Pakistan Joins Trump’s ‘Board of Peace’ for Gaza Gaining Support from 9 Muslim Nations



Pakistan Joins Trump’s ‘Board of Peace’ for Gaza : પાકિસ્તાને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝામાં શાંતિ સ્થાપવા માટે રચાયેલા ‘બોર્ડ ઑફ પીસ’માં સામેલ થવાનું આમંત્રણ સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે એક નિવેદન જારી કરીને વડાપ્રધાન શહબાઝ શરીફના આ બોર્ડમાં સામેલ થવાના નિર્ણયની પુષ્ટિ કરી છે. આ સાથે, અત્યાર સુધીમાં 9 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો આ બોર્ડને પોતાનું સમર્થન આપી ચૂક્યા છે.

શા માટે પાકિસ્તાન જોડાયું?

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, “પાકિસ્તાનનું આ પગલું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 2803 હેઠળ ગાઝા શાંતિ યોજનાને સમર્થન આપવાના પ્રયાસોનો એક ભાગ છે.” મંત્રાલયે આશા વ્યક્ત કરી કે આ મંચ દ્વારા કાયમી યુદ્ધવિરામ, માનવતાવાદી સહાયમાં વધારો અને ગાઝાનું પુનર્નિર્માણ સુનિશ્ચિત થશે. નિવેદનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે પાકિસ્તાન 1967 પહેલાની સરહદો અને ‘અલ-કુદ્સ અલ-શરીફ'(જેરુસલેમ)ને રાજધાની માનીને એક સ્વતંત્ર પેલેસ્ટિન દેશની રચનાના પક્ષમાં છે.

શું છે ‘બોર્ડ ઑફ પીસ’ અને ફીનો વિવાદ?

પ્રમુખ ટ્રમ્પે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગાઝા યુદ્ધને સમાપ્ત કરવાની તેમની યોજનાના ભાગરૂપે આ બોર્ડનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના અધ્યક્ષ તેઓ પોતે જ હશે. શરુઆતમાં ગાઝા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હોવા છતાં, હવે તેના દ્વારા અન્ય વૈશ્વિક સંઘર્ષોને ઉકેલવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બોર્ડમાં સ્થાયી સભ્યપદ માટે 1 અબજ ડૉલર(આશરે ₹8300 કરોડ)ના યોગદાનની વિનંતી કરવામાં આવી છે. જોકે, પાકિસ્તાન કે સાઉદી અરેબિયાના સત્તાવાર નિવેદનોમાં આ ચૂકવણીનો કોઈ ઉલ્લેખ નથી.

9 મુસ્લિમ દેશોનું મળ્યું મોટું સમર્થન

પાકિસ્તાનની સાથે, અત્યાર સુધીમાં કુલ 9 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો આ બોર્ડનો હિસ્સો બનવા માટે સંમત થયા છે. આ દેશોમાં ગાઝા મધ્યસ્થીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર કતાર અને તુર્કીનો પણ સમાવેશ થાય છે. સાઉદી અરેબિયાએ એક સંયુક્ત નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું કે સાઉદી અરેબિયા, કતાર, તુર્કિયે, ઇજિપ્ત, જોર્ડન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોએ તેને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત, કુવૈતે પણ અલગથી આ બોર્ડમાં સામેલ થવાની પુષ્ટિ કરી છે.

બોર્ડની ભૂમિકા અને પાકિસ્તાનની અપેક્ષાઓ

આ બોર્ડ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે એક પ્રશાસકની ભૂમિકા ભજવી શકે છે. પાકિસ્તાનનું માનવું છે કે આ આંતરરાષ્ટ્રીય મંચ પર તેની હાજરી “પેલેસ્ટિનિયન ભાઈઓ અને બહેનોની પીડાને ઓછી કરવામાં અને તેમના આત્મનિર્ણયના અધિકારને અપાવવામાં મદદરૂપ સાબિત થશે.”



Source link

Related Articles

Back to top button