જામનગરમાં સીલ કરાયેલી ફેક્ટરીમાંથી તેનાજ બે સિક્યુરિટી ગાર્ડ રૂપિયા સાડા સાત લાખની માલમતા ઉઠાવી ગયાની ફરિયાદ | Complaint against security guards who stole property worth 7 5 lakh from factory in Jamnagar

![]()
Jamnagar Crime : જામનગરમાં બીડીબંદર રોડ પર આવેલી એક ફેક્ટરી કે જે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સીલ કરવામાં આવી હતી, અને ત્યાં સિક્યુરિટી ગાર્ડને મૂકવામાં આવ્યા હતા, જે બે સિક્યુરિટી ગાર્ડ અંદરથી રૂપિયા સાડા સાત લાખની માલમતા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
જામનગરમાં દિગજામ સર્કલ વિસ્તારમાં રહેતા અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની જામનગરની એક બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા સુનિલભાઈ બચુ પ્રસાદ કૂર્મીએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે બેડી બંદર રોડ પર આવેલી એક ફેકટરી કે જે ફેકટરી બેન્ક દ્વારા સિલ કરાઈ છે, જેમાંથી રૂપિયા સાડા સાત લાખની માલમત્તાની ચોરી કરી લઈ જવા અંગે એક ખાનગી સિક્યુરિટી પેઢીના બે સિક્યુરિટી ગાર્ડ નીતીશકુમાર બદરીપ્રસાદ, તેમજ દિપક શેરસિંઘ સામે ફરિયાદ નોંધાવી છે. જે બંને ગાર્ડ રાજસ્થાનના વતની છે, અને ઉપરોક્ત માલ સામાનની એક ટ્રકમાં ચોરી કરી લઈ ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદી બ્રાન્ચ મેનેજર કે જેઓ દ્વારા બેડી બંદર રોડ પર આવેલી સિલ્વર પ્રોટેઇન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ફેક્ટરી કે જે લોન ભરપાઈ કરી ન હોવાથી બેંક દ્વારા સીલ કરવામાં આવી હતી, અને તેના ઉપર બે સિક્યુરિટી ગાર્ડને મૂકવામાં આવ્યા હતા. જે સીલ કરેલી ફેક્ટરીમાંથી ગત 8મી જાન્યુઆરીના રાત્રિના સમયગાળા દરમિયાન ઉપરોક્ત બંને સિક્યુરિટી ગાર્ડ નીતેશ કુમાર તથા દિપક શેરસિંહ કે જેઓ અંદર રાખવામાં આવેલી 12 નંગ ઇલેક્ટ્રીક મોટર, ટ્રાન્સફોર્મર, તેમજ લોખંડનો સ્ક્રેપનો માલ સામાન વગેરે રૂપિયા 7,52,000 ની માલમતા કે જે એક ટ્રકમાં ભરીને ચોરી કરી લઈ ગયા હોવાનું સીસીટીવી કેમેરા મારફતે ધ્યાનમાં આવ્યું હતું.
તેથી આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે અને રાજસ્થાનના બંને સિક્યુરિટી ગાર્ડ સામે પોલીસે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.



