गुजरात

નડિયાદમાં કેનાલથી ડી-માર્ટ અને પીજ રોડથી પીપલગ રોડ સુધીની કામગીરી વેગીલી બની | Work from Canal to D Mart and from Peej Road to Peepalg Road in Nadiad has been expedited



– બે આઈકોનિક રોડ પ્રોજેક્ટથી શહેરની રોનક બદલાશે

– રિંગ રોડ પર દબાણો હટાવવાની કામગીરી અને કેનાલ રોડ પર ડ્રેનેજની વ્યવસ્થા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી

નડિયાદ : નડિયાદ શહેરના મુખ્ય બે માર્ગોને આઈકોનિક રોડ તરીકે વિકસાવવાની યોજના પર તંત્ર દ્વારા કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કેનાલથી ડી-માર્ટ સુધીના રસ્તાને અને પીજ રોડથી શરૂ થતા રિંગ રોડ પર પીપલગ રોડ સુધીના પટ્ટાને આધુનિક ઢબે તૈયાર કરવામાં આવશે. આ બંને રોડ તૈયાર થવાથી શહેરમાં એક નવું નજરાણું ઉમેરાશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ આંશિક રાહત મળવાની શક્યતા છે.

આ કામગીરીના ભાગરૂપે કેનાલથી ડી-માર્ટ સુધીના આઈકોનિક રોડ પ્રોજેક્ટમાં સૌ પ્રથમ વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. રોડની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, જેમાં માત્ર વાહનો માટે જ નહીં પરંતુ રાહદારીઓ માટે પણ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ પ્રોજેક્ટમાં વોક-વે અને આધુનિક સ્ટ્રીટ લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી રાત્રિના સમયે પણ આ વિસ્તાર ઝળહળી ઉઠશે. આ ઉપરાંત રોડની આસપાસ ગાર્ડન એરિયા વિકસાવવામાં આવશે અને રોડની વચ્ચેના ડિવાઈડરમાં ગ્રીનરી સાથેનું ડેવલપમેન્ટ કરવામાં આવશે જે પર્યાવરણની જાળવણીમાં પણ મદદરૂપ થશે.

બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડથી શરૂ થતા રિંગ રોડ પર પીપલગ રોડ તરફ જતા માર્ગને પણ આઈકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. આ રસ્તા પર વર્ષો જૂના દબાણો અડચણરૂપ હતા. જેથી પાલિકાની દબાણ શાખા દ્વારા રોડની બંને બાજુએ આવેલા કાચા અને પાકા દબાણોને દૂર કરી રસ્તો પહોળો કરવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ સતત રહેતું હોવાથી રોડ પહોળો થતાં વાહનચાલકોને મોટી રાહત મળશે. અહીં પણ વોક-વે અને બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરાશે. નડિયાદ મહાનગરપાલિકાના બજેટમાં આઈકોનિક રોડ અને સમાંતર બ્યુટિફિકેશન માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ, આ પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ રોડના નિર્માણ, ફુટપાથ, સ્ટ્રીટ ફનચર અને લેન્ડસ્કેપિંગ જેવી કામગીરી માટે કરવામાં આવશે. 



Source link

Related Articles

Back to top button