આણંદ-સોજીત્રા રોડ પર આવેલા ‘સ્વયં શેફાયર’ કોમ્પ્લેક્સની 57 દુકાનો સીલ | 57 shops of Swayam Shefair complex on Anand Sojitra road sealed

![]()
– રૂ. 12,20,963 બાકી વેરો ભરપાઈ ન કરતા મનપાની કાર્યવાહી
– મનપાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા અન્ય મિલકત ધારકો પાસેથી રૂ. 1,58,804 બાકી રહેલો વેરો વસૂલાયો
આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા રૂપિયા રૂ.૧૨,૨૦,૯૬૩ બાકી વેરો ભરપાઈ ન કરતા આણંદ-સોજીત્રા રોડ પર આવેલા ‘સ્વયં શેફાયર’ કોમ્પ્લેક્સની ૫૭ દુકાનો સીલ કરવામાં આવી છે. તેમજ અન્ય મિલકત ધારકો પાસેથી રૂપિયા ૧.૫૮ લાખથી વધુનો બાકી વેરો વસૂલવામાં આવ્યો છે.
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલી મિલકતોનો બાકી પડતો વેરો જમા કરાવે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આણંદ-સોજીત્રા રોડ ઉપર આવેલા મધુબન રિસોર્ટની સામે ‘સ્વયં શેફાયર કોમ્પ્લેક્સ’માં બાકી વેરો રૂપિયા ૧૨,૨૦,૯૬૩ ભરપાઈ ન કરનાર ૫૭ જેટલી દુકાનો તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે. જ્યારે અન્ય મિલકત ધારકો પાસેથી રૂપિયા ૧,૫૮,૮૦૪ બાકી રહેલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ટેક્સ વિભાગના રિકવરી ટીમ દ્વારા બાકી પડતો વેરો ભરપાઈ ન કરનાર તમામ દુકાનદારો /હોટલ માલિકોને જણાવવામાં આવ્યું છે કે, મનપાની નોટિસ મળેથી તાત્કાલિક બાકી વેરો જમા કરાવીને મહાનગરપાલિકાને સહયોગ આપવા જણાવવામાં આવ્યું છે. જે દુકાનદારો દ્વારા બાકી વેરો ભરપાઈ કરવામાં નહીં આવે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.



