‘હા, હું સરમુખત્યાર જ છું…’, ચોતરફી ટીકાઓ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી દુનિયા સ્તબ્ધ! | donald trump davos summit dictator comments

Donald Trump calls himself Dictator: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની નીતિઓ અને આક્રમક અંદાજને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ(WEF)માં ટ્રમ્પે એક એવું નિવેદન આપ્યું છે જેનાથી વૈશ્વિક સ્તરે ફરી ચર્ચાઓ જાગી છે. પોતાની ટીકાઓનો જવાબ આપતા ટ્રમ્પે સ્વીકાર્યું કે લોકો તેમને ‘તાનાશાહ’ ગણાવે છે.
દાવોસના મંચ પરથી ટ્રમ્પનો ચોંકાવનારો ખુલાસો
વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત કર્યા બાદ ટ્રમ્પે તેમના ભાષણ પર મળેલી પ્રતિક્રિયાઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘મેં એક સારું ભાષણ આપ્યું અને મને તેના ખૂબ સારા રિવ્યૂ મળ્યા છે, જેનો મને પણ વિશ્વાસ નથી આવી રહ્યો.’
પોતાના પર લાગતા સરમુખત્યારશાહીના આરોપો અંગે ખુલાસો કરતા ટ્રમ્પે કહ્યું કે, ‘સામાન્ય રીતે લોકો કહે છે કે આ વ્યક્તિ એક ભયાનક તાનાશાહ જેવો છે. હા, હું એક તાનાશાહ છું, પરંતુ ક્યારેક તમારે એક સરમુખત્યારની જરૂર હોય છે.’
મારા નિર્ણયો વિચારધારા નહીં, પણ કોમન સેન્સ પર આધારિત: ટ્રમ્પ
ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે, તેમના નિર્ણયો કોઈ ચોક્કસ રૂઢિચુસ્ત કે ઉદારવાદી વિચારધારાથી પ્રેરિત હોતા નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મારા 95% નિર્ણયો માત્ર ‘કોમન સેન્સ'(સામાન્ય બુદ્ધિ) પર આધારિત હોય છે અને વ્યવહારિકતા જ સૌથી મહત્ત્વની બાબત છે.’
વૈશ્વિક તણાવ અને ગ્રીનલેન્ડનો મુદ્દો
વેનેઝુએલા અને ગ્રીનલેન્ડ જેવા મુદ્દાઓ પર અમેરિકાના વલણને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ જોવા મળ્યો હતો. આ અંગે ટ્રમ્પે કબૂલાત કરી હતી કે તેમના નિવેદનોથી દુનિયામાં ઉત્તેજના વધી છે, પરંતુ તેમના ઈરાદાઓને ખોટી રીતે સમજવામાં આવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘લોકોને લાગ્યું કે હું બળપ્રયોગ કરીશ, પરંતુ મારે બળપ્રયોગ કરવાની કોઈ જરૂર નથી અને હું તે કરવા પણ નથી માંગતો.’




