સરહદે કેમેરા લગાવી રહેલા ભારતીય જવાનો પર પાક.નો બેફામ ગોળીબાર | Pakistan opens indiscriminate fire on Indian soldiers installing cameras on the border

![]()
– પાક. સૈન્યએ લાંબા સમય બાદ શસ્ત્ર વિરામનો ભંગ કર્યો
– કિશ્તવાડના જંગલોમાં જૈશના ખુંખાર આતંકીઓ સૈફુલ્લાહ અને આદિલ જોવા મળ્યા, તસવીરો વાયરલ
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરીને શસ્ત્ર વિરામનો ભંગ કરવામાં આવ્યો છે. ભારતીય સૈન્ય જ્યારે સરહદે કેમેરા લગાવી રહ્યું હતું ત્યારે જ પાકિસ્તાને ગોળીબાર કરી દીધો હતો. જોકે બાદમાં ભારતીય સૈન્ય દ્વારા તેનો આક્રામક રીતે જવાબ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાની સૈન્યએ આતંકીઓની ઘૂસણખોરી કરાવવા માટે આ ગોળીબાર કર્યો હતો, જોકે ભારતીય સૈન્યએ પાક.ના આ પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સૈન્યની છ રાષ્ટ્રીય રાઇફલ્સની સી કંપની કેરન બાલા વિસ્તારમાં સરહદ પાસે આતંકીઓ અને પાક. સૈન્ય પર નજર રાખવા માટે કેમેરા લગાવી રહી હતી. આ દરમિયાન પાકિસ્તાની સૈન્યએ કોઇ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર જ અચાનક ગોળીબાર કરી દીધો હતો. જોકે ભારતીય સૈન્ય પહેલાથી જ એલર્ટ હતું તેથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. જે વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યએ ગોળીબાર કર્યો છે તે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. તેથી પાકિસ્તાને આતંકીઓને ઘૂસાડવા આ ગોળીબાર કર્યો હોવાની પણ શંકા છે. ગોળીબાર બાદ ભારતીય સૈન્યએ પુરા વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ હતું.
હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ કાશ્મીરના કિશ્તવારના જંગલોમાં સૈન્ય દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાની મૂળનો આતંકી અને જૈશનો કમાન્ડર સૈફુલ્લાહ પોતાના સાથી આદિલ અને અન્ય જૈશ આતંકીઓની સાથે કિશ્તવારના જંગલોમાં જોવા મળ્યો હતો. આ આતંકી ટોળકીની તસવીરો પણ કેમેરામાં કેદ થઇ ગઇ છે. સૈફુલ્લાહ અને આદિલ છેલ્લા બે વર્ષથી કિશ્તવારના જંગલોમાં છૂપાઇને ફરી રહ્યા છે. કિશ્તવારમાં જંગલોમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું તેના કેટલાક દિવસ પહેલાની આ તસવીર હોવાના અહેવાલો છે. બે દિવસ પહેલા જ આ બન્ને ખુંખાર આતંકીઓના છૂપાવાના એક સ્થળને સૈન્ય દ્વારા નાશ કરી દેવામાં આવ્યું હતું.
દરમિયાન ૨૬મી જાન્યુઆરીના રોજ અથવા પહેલા કોઇ મોટા આતંકી હુમલાની શક્યતાને પગલે દિલ્હીમાં તંત્ર એલર્ટ થઇ ગયું છે. આ ઉપરાંત અયોધ્યામાં રામ મંદિર, જમ્મુમાં રઘુનાથ મંદિર તેમજ અન્ય શહેરોમાં મોટા મંદિર આતંકીઓના નિશાના પર હોઇ શકે છે તેવા અહેવાલો સામે આવ્યા છે. પંજાબના ગેંગસ્ટર્સની મદદથી પાકિસ્તાનનું આતંકી સંગઠન જૈશ આ હુમલાને અંજામ આપી શકે છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં લાલ કિલ્લા પર જે આતંકી હુમલો થયો હતો તેને પણ જૈશ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.



