અમદાવાદ: સંબંધીને જેલ ભેગા કરવાનું ખતરનાક પ્લાનિંગ! ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાના ષડયંત્રમાં બેની ધરપકડ | Police arrest two accused for conspiring to frame relative in false drug case in Vadaj Ahmedabad

![]()
Ahmedabad News : અમદાવાદ શહેરના વાડજ પોલીસ મથકના અધિકારીઓએ એક નિર્દોષ નાગરિકને NDPSના ખોટા કેસમાં ફસાવવાના ઇરાદાને નિષ્ફળ બનાવ્યો છે. સંબંધી સાથેની જૂની અદાવતનું વેર વાળવા માટે કારમાં નશીલા પાવડરના પડીકાં મૂકી પોલીસને જાણ કરનાર બે શખસોની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતો સમગ્ર મામલો?
પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનાની શરૂઆત 4 એપ્રિલ, 2025ના રોજ થઈ હતી. પ્રદ્યુમન લુહાર નામના શખસે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને એવી માહિતી આપી હતી કે એક ઇકો કારમાં શંકાસ્પદ પાવડરના પડીકાં પડ્યા છે. કંટ્રોલ રૂમના મેસેજને આધારે વાડજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ત્યાં હાજર પ્રદ્યુમન લુહારે ગાડીમાંથી ‘અલ્પ્રાઝોલમ’ (નશીલો પાવડર)ના 10 પડીકાં કાઢીને પોલીસને સોંપ્યા હતા અને ગાડીના માલિક ગોપાલભાઈ લુહાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. જોકે, પ્રાથમિક પૂછપરછ દરમિયાન જ પોલીસને પ્રદ્યુમનની વર્તણૂક શંકાસ્પદ જણાઈ હતી.
પોલીસ તપાસમાં ખૂલ્યું ષડયંત્ર
વાડજ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે, આ પાવડર અકસ્માતે મળ્યો નહોતો, પરંતુ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કારમાં મૂકવામાં આવ્યો હતો. પ્રદ્યુમન લુહારે તેના પરિચિત સંજય ઉર્ફે ડીડીઓ લુહારની મદદથી ગોપાલભાઈને જેલ ભેગા કરવા અને તેમની પ્રતિષ્ઠા ખરડવા માટે આ ખતરનાક ખેલ ખેલ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદથી 4 વર્ષ બાદ લૂંટારી દુલ્હન ઝડપાઈ, લગ્ન કરી 4 દિવસમાં દાગીના-રોકડ લઈ જતી ફરાર
નાણાકીય વિવાદ બન્યો દુશ્મનીનું કારણ
પોલીસ તપાસ મુજબ, પ્રદ્યુમન અને તેના સંબંધી ગોપાલભાઈ વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી પૈસાની લેતી-દેતી બાબતે ઉગ્ર વિવાદ ચાલતો હતો. આ આર્થિક ઝઘડાએ વેરનું સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રદ્યુમને ગોપાલભાઈને ગંભીર કાયદાકીય મુસીબતમાં ફસાવવા માટે પોતાના એક મિત્રની મદદથી આ કાવતરું ઘડ્યું હોવાનું કબૂલ્યું છે.
આરોપીઓની ધરપકડ
પ્રદ્યુમન ઉર્ફે રાહુલ લુહાર (ઉં.વ. 32, રહે. ચાંદલોડિયા, અમદાવાદ)
સંજય કુમાર ઉર્ફે ડીડીઓ લુહાર (ઉં.વ. 38, રહે.બોરસદ, આણંદ -મૂળ રહે. અમદાવાદ)
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વાડજ પોલીસની સતર્કતાને કારણે NDPS એક્ટનો દુરુપયોગ થતો અટક્યો છે અને એક નિર્દોષ નાગરિક ખોટા કેસમાં ફસાતા બચી ગયો છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓએ આ નશીલો પદાર્થ ક્યાંથી મેળવ્યો હતો અને અગાઉ પણ કોઈને આ રીતે ફસાવ્યા છે કે કેમ.


