ગંભીરા બ્રિજની કામગીરી પૂરજોશમાં, પિલર પરથી લપસી જતાં મજૂરને ઈજા, અમદાવાદમાં સારવાર હેઠળ | Vadodara News Gambhira Bridge Laborer injured after slipping from pillar during work

![]()
Vadodara News: મધ્ય ગુજરાતના મહત્ત્વના ગણાતા ગંભીરા બ્રિજનું નિર્માણ કાર્ય હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જ્યાં એક તરફ 350 જેટલા મજૂરો દિવસ-રાત કામ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ કામગીરી દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર મળી રહ્યા છે.
કામગીરી દરમિયાન મજૂર પટકાયો
વડોદરા માર્ગ અને મકાન વિભાગના (રાજ્ય) નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ, બ્રિજ પર પિયર (થાંભલા)ની કામગીરી ચાલી રહી હતી ત્યારે એક મજૂર અકસ્માતે નીચે પટકાયો હતો. પ્રાથમિક અહેવાલ મુજબ, મજૂરે સેફ્ટી સાધનો તો પહેર્યા હતા, પરંતુ સેફ્ટી બેલ્ટનો હુક યોગ્ય રીતે ન ભરાવાયો હોવાથી તે લપસીને નીચે પડ્યો હતો.
અમદાવાદ ખાતે સારવાર હેઠળ
આ અકસ્માતમાં મજૂરને કમર અને પગના ભાગે ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી છે. ઇજારદાર (કોન્ટ્રાક્ટર) દ્વારા ઈજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક નજીકની હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.


