નકશામાંથી ઈરાનનું નામોનિશાન મિટાવી દઇશ…જાણો કેમ ભયાનક ગુસ્સે થયા ટ્રમ્પ | Trump Warns Iran: Assassination Attempt Will Lead to Total Destruction of the Nation

![]()
America-Iran Dispute : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે છેલ્લા ઘણાં સમયથી ભારે તણાવ છે. આમ તો ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ હવે તેમણે એ યોજના ટાળી દીધી છે. ઈરાની સરકારે દેખાવકારોને ફાંસી ન આપવાનું આશ્વાસન આપ્યા બાદ ટ્રમ્પે હુમલો કરવાની યોજના પડતી મૂકી દીધી છે. જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ટ્રમ્પે ફરી ઈરાનને ધમકી આપી છે.
‘જો મને મારવાનો પ્રયાસ કરશો તો…’
ટ્રમ્પે તાજેતરમાં જ ઈન્ટરવ્યૂમાં ફરી ઈરાનને ધમકી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ઈરાનને ચેતવણી આપી છે કે, ‘જો ઈરાન મને મારવાનો પ્રયાસ કરશે તો હું નકશામાંથી ઈરાનનું નામોનિશાન મિટાવી નાખીશ. જો ઈરાન મારી હત્યા કરવાનો પ્રયાસ કરશે તો કોઈપણ ઈરાનની તબાહીને રોકી નહીં શકે.’
મીડિયા રિપોર્ટ મુજબ, ઈરાને અગાઉ ટ્રમ્પને મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઈરાને આ આક્ષેપનો ક્યારેય સ્વીકાર કર્યો નથી.
થોડા દિવસ પહેલા ઈરાને અમેરિકાને આપી હતી ધમકી
ઈરાની સરકારી મીડિયા ટીવીએ થોડા દિવસ પહેલા ટ્રમ્પને ધમકી આપતા સમાચાર પ્રસારિત કર્યા હતા. ઈરાની સ્ટેટ મીડિયા ટીવીએ અમેરિકામાં ટ્રમ્પ પર 2024માં થયેલા હુમલાની તસવીર બતાવીને મેસેજ લખ્યો હતો કે, ‘આ વખતે બુલેટ નિશાન નહીં ચૂકે અને ગોળી માથાની આરપાર નીકળી જશે.’
આ સમાચારથી ટ્રમ્પ ભારે ગુસ્સે ભરાયા છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને પણ આશંકા છે કે, ઈરાન ભવિષ્યમાં ટ્રમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ કરી શકે છે.
આ પણ વાંચો : ગ્રીનલેન્ડ બાદ હવે હિંદ મહાસાગરના ટાપુ પર ડોનાલ્ડ ટ્રમ્પની નજર! ભારત માટે કેટલો ખતરો?
ઈરાનમાં દેખાવકારોનો મોત બાદ વિવાદ વધ્યો
ઈરાને ટ્રમ્પની હત્યા કરવાની ધમકી આપવા ઉપરાંત યુદ્ધ કરવાની પણ ચેતવણી આપી હતી. ઈરાનમાં છેલ્લા ઘણાં સમયથી ઉગ્ર આંદોલનો અને હિંસાઓ ચાલી રહી છે. હિંસા અને ફાયરિંગમાં અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે.
બીજી તરફ ઈરાને દેખાવકારોને ફાંસીની આપવાની પણ જાહેરાત કરી હતી. જો કે ટ્રમ્પની ધમકી બાદ ઈરાને ફાંસીની સજા ટાળી દીધી છે. આ અગાઉ ટ્રમ્પે ઈરાનમાં સત્તા પરિવર્તનની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના કારણે ઈરાનને લાગે છે કે, અમેરિકા ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈ (Iran Supreme Leader Ali Khamenei)ની હત્યા કરવાનો પ્રયાસ કરી શકે છે.
ઈરાનના રાષ્ટ્રપ્રમુખ અને સેનાના જનરલની અમેરિકાને ધમકી
ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે, જો ખામેનેઈ પર કોઈપણ પ્રકારનો હુમલો થશે તો ઈરાન પાછીપાની નહીં કરે. ઈરાની સેનાના પ્રવક્તા જનરલ અબોલફજલ શેખરચી (Abolfazl Shekarchi)એ ધમકી આપી હતી કે, જો ખામેનેઈ પર હુમલો કરવાનો પ્રયાસ થશે તો ઈરાન ટ્રમ્પના હાથ કાપી નાખશે અને અમેરિકા વિરુદ્ધ યુદ્ધ છેડશે.
તો ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશકિયને (Masoud Pezeshkian) સ્પષ્ટ કહ્યું છે કે, ‘જો સુપ્રીમ લીડર પર કોઈ હુમલો થશે તો તેહરાન તેને સીધું યુદ્ધ માનશે.’
તાજેતરના રિપોર્ટ મુજબ, ધમકી બાદ ખામેનેઈ તેહરાન નજીક આવેલા સુરક્ષિત બંકરમાં છુપાઈ ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. છેલ્લા સાત મહિનામાં તેઓ બીજી વખત બંકરમાં છૂપાયા છે.
આ પણ વાંચો : ટેક ઓફ કરતાં જ ટ્રમ્પના વિમાન એર ફોર્સ વનમાં ટેકનિકલ ખામી! પાછા વોશિંગ્ટન આવવું પડ્યું



