અમદાવાદના નવરંગપુરામાં મોબાઈલ શોપમાં બે કર્મચારીએ કરી ચોરી, 6 ફોન ચોરતા સીસીટીવી કેમેરામાં કેદ | Ahmedabad: Mobile Shop Employees Caught Stealing 6 Phones in Navrangpura

![]()
Mobile Shop Theft In Ahmedabad: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક મોબાઈલ શોપમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્ટેડિયમ રોડ પર આવેલી મોબાઈલની દુકાનમાં માત્ર 15 દિવસ પહેલા જ કામે લાગેલા બે યુવકોએ માલિકનો વિશ્વાસ તોડી કિંમતી મોબાઈલ ફોન ભરેલા કાર્ટૂનની ચોરી કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સીસીટીવી ફૂટેજના આધારે આ સમગ્ર કાવતરું ખુલ્લું પડ્યું
મળતી માહિતી અનુસાર, શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેડિયમ રોડ પર અતીકની મોબાઈલ શોપ આવેલી છે. 28મી નવેમ્બર 2025ના રોજ દુકાનમાં આવેલા સ્ટોકમાંથી 6 મોબાઈલ ફોન ધરાવતું એક આખું કાર્ટૂન હિસાબમાં ઓછું જોવા મળ્યું હતું. દુકાન માલિકને શંકા જતાં તેમણે તરત જ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું હતું કે, 15 દિવસ પહેલા જ નોકરીએ રાખવામાં આવેલા આદિત્ય સોની અને એઝાઝ નામના બે કર્મચારીઓ છુપાઈને તે કાર્ટૂન દુકાનની બહાર લઈ જઈ રહ્યા હતા.
માલિકની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ એકબીજાના પરિચિત છે અને દારૂ પીવાની લત ધરાવે છે. આર્થિક તંગી અને મોજશોખ પૂરા કરવા માટે તેમણે ચોરીનો પ્લાન ઘડ્યો હતો. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ આ ચોરીના મોબાઈલ બજારમાં વેચીને પૈસા મેળવવા માંગતા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં એક મહત્ત્વની બાબત એ બહાર આવી છે કે, આ બંને શખસો કદાચ ચોરી કરવાના ઇરાદે જ નોકરીએ રહ્યા હતા. તેમની કાર્યપદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) એવી હતી કે નવી જગ્યાએ નોકરીએ લાગવું અને તક મળતા જ મોટી ચોરી કરી ત્યાંથી પલાયન થઈ જવું. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ અગાઉ તેમણે કઈ કઈ જગ્યાએ નોકરી કરી છે અને શું અગાઉ પણ તેની સામે કોઈ ગુનાહિત ફરિયાદ નોંધાયેલી છે કે કેમ.


