ફરી પલટશે રાજ ઠાકરે? ઉદ્ધવ ઠાકરેના સૌથી મોટા હરીફને જ ગળે લગાવવાની તૈયારી | maharashtra news raj thackeray sidelined uddhav thackeray may support shinde shiv sena

Maharashtra Politics: મહારાષ્ટ્રના કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોઈપણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા સત્તાનું સમીકરણ રસપ્રદ બન્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં એકનાથ શિંદેની શિવસેના અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) વચ્ચે ગઠબંધન થવાની પૂરી શક્યતા છે. જો આ જોડાણ સફળ થશે, તો ભાજપ અને ઉદ્ધવ ઠાકરે જૂથ સત્તાથી દૂર રહી જશે અને શિંદે સેના MNSના ટેકાથી પોતાનો મેયર બનાવી શકશે.
ગઠબંધનના સંકેત: અટકળો વચ્ચે નવા રાજકીય સમીકરણોની તૈયારી
આ અટકળોને બુધવારે ત્યારે વધુ વેગ મળ્યો જ્યારે એકનાથ શિંદે જૂથના 53 અને MNSના 5 કોર્પોરેટરો ગ્રુપ રજીસ્ટ્રેશન માટે એકસાથે કોંકણ ડિવિઝનલ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સાંસદ શ્રીકાંત શિંદે અને MNS નેતા રાજુ પાટીલની મુલાકાતની તસવીરો પણ વાઇરલ થઈ હતી. આ પ્રસંગે શ્રીકાંત શિંદેએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જે પણ પક્ષ વિકાસ માટે સાથે આવશે તેને અમે આવકારીશું.
ગઠબંધનનું ગણિત તૈયાર, માત્ર સત્તાવાર જાહેરાતની જ રાહ
કલ્યાણ ડોમ્બિવલીમાં મેયર બનાવવા માટે કુલ 62 કોર્પોરેટરોનું સમર્થન જરૂરી છે. હાલમાં શિંદે સેના પાસે 53 કોર્પોરેટરો છે, જ્યારે ભાજપ પાસે 50 છે. MNS પાસે પોતાના 5 અને ઠાકરે જૂથમાંથી પરત ફરેલા 2 મળીને કુલ 7 કોર્પોરેટર છે. આ ઉપરાંત શિંદે જૂથ ઠાકરે જૂથના વધુ બે કોર્પોરેટરને પણ પોતાની સાથે લાવવા પ્રયત્ન કરી રહ્યું છે. આમ, શિંદે સેના અને MNS ભેગા મળીને બહુમતીનો આંકડો વટાવી શકે તેમ છે. જોકે, હજુ સુધી આ ગઠબંધન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.



