તેલંગાણામાં એક બાદ એક 600 કૂતરાઓના મોતથી ખળભળાટ! ઝેર અપાયું હોવાનો આરોપ, FIR નોંધાઈ | telangana stray dogs poisoning case fir against sarpanch for mass killing

Stray Dogs Mass Killing in Telangana: તેલંગાણાના વિવિધ જિલ્લાઓમાં અબોલ જીવો પ્રત્યેની ક્રૂરતાની પરાકાષ્ઠા સમાન એક ઘટના સામે આવી છે. રખડતા શ્વાનોના ત્રાસથી મુક્તિ અપાવવાના નામે ગ્રામ પંચાયતો દ્વારા સેંકડો નિર્દોષ શ્વાનોને ઝેરી ઇન્જેક્શન આપીને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. તાજેતરની ઘટના રંગારેડ્ડી જિલ્લાના યાચરમ ગામમાં બની છે, જ્યાં અંદાજે 100 શ્વાનોની હત્યાના આરોપમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
તાજેતરની ઘટના: યાચરમ ગામમાં 100 શ્વાનોની હત્યા
રંગારેડ્ડી જિલ્લાના યાચરમ ગામમાં 19 જાન્યુઆરીના રોજ આશરે 100 જેટલા રખડતા શ્વાનોને ઝેરી ઇન્જેક્શન આપી મારી નાખવામાં આવ્યા હતા. એનિમલ ક્રુઅલ્ટી પ્રિવેન્શન આસિસ્ટન્ટની ફરિયાદના આધારે રાચાકોંડા પોલીસે ગામના સરપંચ, વોર્ડ સભ્ય અને સચિવ વિરુદ્ધ BNSની કલમ 325 અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટના પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિમીના અંતરે જ બની હતી.
ચૂંટણી વાદો પૂરો કરવા 500 શ્વાનોનો ભોગ લેવાયો
આ ઉપરાંત છેલ્લા બે અઠવાડિયામાં તેલંગાણાના કામારેડ્ડી અને હનમકોંડા જિલ્લાઓમાં 500થી વધુ શ્વાનોને મારી નાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ અમાનવીય ક્રૂરતા પાછળનું મુખ્ય કારણ ગત ડિસેમ્બરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ હોવાનું મનાય છે, જેમાં અનેક ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે પોતાના ગામને ‘શ્વાન-મુક્ત’ બનાવવાનું વચન આપ્યું હતું. આ જ ચૂંટણી વાદો પૂરો કરવા માટે, સત્તામાં આવેલા સરપંચોએ પ્રોફેશનલ ‘ડોગ-કેચર્સ’ની મદદથી આયોજનબદ્ધ રીતે અજ્ઞાત ઝેરી ઇન્જેક્શન્સ આપી નિર્દોષ શ્વાનોનો સામુહિક સફાયો કર્યો હતો.
પોલીસ કાર્યવાહી અને તપાસ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હનમકોંડાના ગામોમાં 300 અને કામારેડ્ડીના ગામોમાં 200 શ્વાનોને મારવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 7 સરપંચો સહિત 15થી વધુ લોકો સામે FIR નોંધવામાં આવી છે. શ્વાનોના મૃતદેહોને ગામની બહાર ખાડો ખોદીને દફનાવી દેવામાં આવ્યા હતા, જેને હવે પોસ્ટમોર્ટમ માટે બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: ફરી પલટશે રાજ ઠાકરે? ઉદ્ધવ ઠાકરેના સૌથી મોટા હરીફને જ ગળે લગાવવાની તૈયારી
પશુ પ્રેમીઓમાં ભારે રોષ
પશુ અધિકાર સંગઠનોએ આ ઘટનાની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે ગ્રામ પંચાયતોએ કાયદાનું ઉલ્લંઘન કરીને આ ક્રૂર કામ કર્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ શ્વાનોનું રસીકરણ અને નસબંધી કરવી અનિવાર્ય છે, પરંતુ તેમને મારી નાખવા એ ગંભીર અપરાધ છે.



