ગ્રીનલેન્ડ બાદ હવે હિંદ મહાસાગરના ટાપુ પર ડોનાલ્ડ ટ્રમ્પની નજર! ભારત માટે કેટલો ખતરો? | donald trump criticizes uk diego garcia mauritius deal

Trump Slams Diego Garcia Deal: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના આક્રમક વલણને કારણે ફરી એકવાર વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ’ પર બ્રિટનની એ યોજનાની આકરી ટીકા કરી છે, જે અંતર્ગત બ્રિટન ‘ડિયેગો ગાર્સિયા’ જેવા મહત્ત્વના ટાપુ ધરાવતા ચાગોસ દ્વીપસમૂહનું સાર્વભૌમત્વ મોરિશસને સોંપવા જઈ રહ્યું છે.
ટ્રમ્પનો આક્રોશ: યુકે-મોરિશસ કરારને ગણાવ્યો ‘મોટી મૂર્ખામી’
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટન અને મોરિશસ વચ્ચેના ટાપુ કરાર પર આકરી પ્રતિક્રિયા આપતા તેને બ્રિટનની મોટી નબળાઈ ગણાવી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના જ નાટો(NATO) સાથી દેશ બ્રિટન સામે સવાલો ઉઠાવ્યા છે.
આ અંગે ટ્રમ્પે લખ્યું કે, ‘ચોંકાવનારી વાત એ છે કે આપણું ‘હોશિયાર’ નાટો સાથી બ્રિટન હાલમાં કોઈ પણ નક્કર કારણ વગર ‘ડિયેગો ગાર્સિયા’ ટાપુ મોરિશસને સોંપવાની યોજના બનાવી રહ્યું છે. આ ટાપુ પર અમેરિકાનું અત્યંત વ્યૂહાત્મક અને મહત્ત્વનું સૈન્ય મથક આવેલું છે. આંતરરાષ્ટ્રીય શક્તિઓ જેમ કે ચીન અને રશિયા બ્રિટનની આ નબળાઈને નોંધી રહ્યા છે, જે ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે છે.’
આ પણ વાંચો: 1 જ દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પના 5 ‘કાંડ’! યુરોપથી લઈને હિંદ મહાસાગર સુધી હલચલ
પોતાના નેતૃત્વના વખાણ કરતા ટ્રમ્પે દાવો કર્યો કે, ‘આંતરરાષ્ટ્રીય શક્તિઓ માત્ર ‘તાકાત’ને જ ઓળખે છે. મારા નેતૃત્વ હેઠળ માત્ર એક જ વર્ષમાં અમેરિકાનું સન્માન વિશ્વમાં પહેલા કરતા ઘણું વધી ગયું છે.’ આ સાથે જ તેમણે બ્રિટન દ્વારા આ મહત્ત્વની જમીન જતી કરવી તેને ‘ભારે મૂર્ખામી’ ગણાવી હતી.
ગ્રીનલેન્ડ મેળવવાની માંગને ટેકો
આ વિવાદનો ઉલ્લેખ કરીને ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડ પર અમેરિકાના દાવાને મજબૂત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય સુરક્ષાના અનેક કારણો પૈકીનું આ એક મુખ્ય કારણ છે કે શા માટે અમેરિકા માટે ‘ગ્રીનલેન્ડ’ મેળવવું અનિવાર્ય છે. તેમણે ડેનમાર્ક અને અન્ય યુરોપિયન સાથી દેશોને આ બાબતે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે.
આ પણ વાંચો: ટેક ઓફ કરતાં જ ટ્રમ્પના વિમાન એર ફોર્સ વનમાં ટેકનિકલ ખામી! પાછા વોશિંગ્ટન આવવું પડ્યું
વ્યૂહાત્મક મહત્ત્વ: હિંદ મહાસાગરમાં અમેરિકા-બ્રિટનનું મજબૂત સૈન્ય મથક
હિંદ મહાસાગરમાં સ્થિત ડિયેગો ગાર્સિયા ટાપુ પર 1960ના દાયકાથી બ્રિટન અને અમેરિકાનું સંયુક્ત સૈન્ય મથક કાર્યરત છે. મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા અને પૂર્વ આફ્રિકામાં લશ્કરી કામગીરી માટે આ મથક અત્યંત વ્યૂહાત્મક માનવામાં આવે છે. મે 2025માં થયેલા નવા કરાર મુજબ, બ્રિટન આ ટાપુઓનું સાર્વભૌમત્વ મોરિશસને સોંપશે, પરંતુ ડિયેગો ગાર્સિયા પરનું સૈન્ય મથક આગામી 99 વર્ષ સુધી બ્રિટન પાસે લીઝ પર રહેશે.
રસપ્રદ વાત એ છે કે, અગાઉ ટ્રમ્પ વહીવટીતંત્રે જ આ કરારને ટેકો આપ્યો હતો, પરંતુ હવે ટ્રમ્પે અચાનક ‘યુ-ટર્ન’ લઈને તેનો આકરો વિરોધ કર્યો છે. બીજી તરફ, બ્રિટિશ સરકારે ટ્રમ્પની ટીકાનો જવાબ આપતા જણાવ્યું છે કે, કાયદાકીય ગૂંચવણો ટાળવા અને સૈન્ય મથકની સુરક્ષા જાળવી રાખવા માટે આ કરાર રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અનિવાર્ય હતો.
હિંદ મહાસાગરમાં ચીનના પ્રભાવને રોકવા ભારતની સક્રિયતા
આ સમગ્ર વિવાદમાં ભારતની ભૂમિકા પણ અત્યંત મહત્ત્વની છે. જોકે ટ્રમ્પે પોતાના નિવેદનમાં ભારતનું નામ લીધું નથી, પરંતુ ભારતે લાંબા સમયથી મોરિશસના આ પ્રયાસોને સમર્થન આપ્યું છે. ભારતે મોરિશસને 68 કરોડ ડોલરનું પેકેજ પણ આપ્યું છે, જેમાં ચાગોસ વિસ્તારમાં મરીન પ્રોટેક્ટેડ એરિયા અને સેટેલાઇટ સ્ટેશન વિકસાવવાનો સમાવેશ થાય છે. ભારત હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે અહીં સક્રિય છે. ટ્રમ્પના આ તાજેતરના નિવેદન અને ગ્રીનલેન્ડથી લઈને ડિયેગો ગાર્સિયા સુધીના આક્રમક વલણને કારણે વૈશ્વિક સ્તરે ઉથલપાથલ મચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.




