પેટલાદના સિહોલની દૂધ મંડળીમાં રૂ. 5 લાખની હંગામી ઉચાપત મામલે સેક્રેટરી, ચેરમેન સહિત 14 સામે ફરિયાદ | filed against secretary chairman in Sihol milk association for embezzlement of Rs 5 lakh

![]()
– અરજદારોએ 1 સપ્ટેમ્બર 2025 ના રોજ જિલ્લા રજીસ્ટ્રારને રજૂઆત કરી હતી
– મહેળાવ પોલીસે મંડળીના હોદ્દેદારો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી : મર્યાદા કરતાં વધુ રોકડ સિલક રાખી અંગત ખર્ચમાં વાપર્યાનો આક્ષેપ
આણંદ : પેટલાદ તાલુકાના સિહોલની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી, ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના સભ્યો મળી કુલ ૧૪ વ્યક્તિઓએ પોતાની ફરજ દરમિયાન મર્યાદા કરતાં વધુ રોકડ હાથ ઉપર રાખી રોજમેળમાં બતાવી તેમજ મંડળીના સેક્રેટરીએ આ રકમ પોતાના અંગત ખર્ચમાં વાપરી નાણાંકીય ઉચાપતમાં એકબીજાને મદદગારી કરી વિશ્વાસઘાત કર્યોે હોવા અંગે મહેળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ભારે ખડભડાટી મચી ગઈ છે. પોલીસે સિહોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી સહિત ૧૪ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પેટલાદ તાલુકાના સિહોલ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી તરીકે રમેશભાઈ રાવજીભાઈ જાદવ, ચેરમેન તરીકે દિલીપભાઈ અશોકભાઈ જાદવ અને વાઇસ ચેરમેન તરીકે વિઠ્ઠલભાઈ મંગળભાઈ પરમાર કાર્યરત છે, સાથે અન્ય ૧૧ જેટલા સભ્યો પણ મંડળીમાં છે. સિહોલ ગામના અરજદાર સંજયભાઈ પુનમભાઈ જાદવ અને કનુભાઈ ભુપતભાઈ જાદવે તારીખ ૧-૯-૨૦૨૫ના રોજ મંડળી વિરુદ્ધ જિલ્લા રજીસ્ટ્રાર, આણંદ ખાતે અરજી કરી હતી. જેમાં મંડળીના સેક્રેટરી દ્વારા મંડળીની રોકડ સિલક ઠરાવેલ મર્યાદા કરતાં વધુ હાથ પર રાખી તે રકમનો અંગત કામ માટે વપરાશ કર્યોે હોવાનું જણાવ્યું હતું. જે અંગે તપાસણી અધિકારી દ્વારા મંડળી ખાતે તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ સેક્રેટરી સહિત કમિટીના સભ્યો દ્વારા તપાસ ના કરવા માટે યેનકેન પ્રકારે બહાના બતાવી સરકારી કામમાં અડચણો ઊભી કરવામાં આવી હતી.
અધિકારી દ્વારા મંડળીનો અવારનવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવા છતાં મંડળીના મકાનને તાળું મારી દેવામાં આવ્યું હતું અને સભ્યોનો ટેલીફોનિક સંપર્ક પણ થયો નહોતો, જેથી કચેરી દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ નોટિસનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. જેથી ન્યાયના હિતમાં મંડળીને રજૂઆત માટે ફરીથી નોટિસ પાઠવી આણંદ કચેરી ખાતે હાજર રહેવા જણાવાયું હતું. જેમાં મંડળી દ્વારા હાજર રહી તપાસણી અધિકારીને સાથ સહકાર આપવા બાંહેધારી આપવામાં આવી હતી.
તપાસણી અધિકારી દ્વારા તપાસ કરવામાં આવતા કમિટીમાં તારીખ ૧૯-૫-૨૦૨૪ના રોજ ઠરાવથી હાથ પર સિલક રાખવાની મર્યાદા રૂપિયા એક લાખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ રોજમેળની તપાસણી કરતા સેક્રેટરી દ્વારા અવારનવાર ઠરાવેલ મર્યાદા કરતાં વધુ સિલક રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. સેક્રેટરી રમેશભાઈ જાદવ દ્વારા રૂપિયા પાંચ લાખની સિલકની ગઢ મંડળીના ચોપડે બતાવી આ રકમ પોતાના અંગત કામમાં વાપરી ઉચાપત કરી હોવાનું જણાયુ હતું અને સેક્રેટરીએ મંડળીના હોદ્દેદારો સમક્ષ તારીખ ૨૧-૬-૨૦૨૫ના રોજ આ અંગેની કબુલાત પણ કરી હતી. સેક્રેટરીએ કરેલી ઉચાપતના રૂ. ૫,૦૪,૫૫૦.૪૯ પૈકી રૂપિયા ૨ લાખ તારીખ ૨૦-૯- ૨૦૨૫ના રોજ અને રૂપિયા ૩ લાખ તારીખ ૩-૯-૨૦૨૫ના રોજ તથા ઉચાપતની તમામ રકમ જમા કરાવી હતી. જોકે સેક્રેટરી રમેશભાઈ રાવજીભાઈ જાદવે ૯૦ દિવસ ઉપરાંત સુધી ઠરાવેલ મર્યાદા કરતા વધુ મંડળીની સિલક પોતાની પાસે રાખી અંગત કામ અર્થે વાપરી હંગામી ઉચાપત કરી હોવાનું જાણવા મળતા આણંદની સહકારી મંડળીઓ કચેરીના ઓડિટર વિજયકુમાર ઈશ્વરભાઈ ચૌહાણે મહેળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સિંહોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી, ચેરમેન વાઇસ ચેરમેન અને મંડળીના સભ્યો મળી કુલ ૧૪ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કોની કોની સામે ગુનો નોંધાયો
(૧) રમેશભાઈ રાવજીભાઈ જાદવ
(૨) દિલીપભાઈ અશોકભાઈ જાદવ
(૩) વિઠ્ઠલભાઈ મંગળભાઈ પરમાર
(૪) તેજસભાઈ રામાભાઇ જાદવ
(૫)હરમાનભાઈ મથુરભાઈ ગોહિલ
(૬) મુકેશભાઈ મણીભાઈ જાદવ
(૭) ભુપતભાઈ રોબડભાઈ ગોહિલ
(૮) વિઠ્ઠલભાઈ પુનમભાઈ ચૌહાણ
(૯) વિઠ્ઠલભાઈ ડાહ્યાભાઈ ચૌહાણ
(૧૦) મનિષાબેન સુનિલભાઈ જાદવ
(૧૧) ચીમનભાઈ મગનભાઈ તળપદા
(૧૨) કલ્પેશભાઈ ગગજીભાઈ મહીડા
(૧૩) ભરતભાઈ મગનભાઈ ગોહેલ
(૧૪) રશ્મિબેન દિલીપભાઈ જાદવ



